સુરતઃ લસકાણા કોરિડોરમાં ગઈરાત્રે બાઈક ચાલકે રાહદારીને અડફેટમાં લીધો હતો. જેમાં બાઈક ચાલકનું અને એક રાહદારીનું ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. જયારે બાઈકસવાર યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ ઉમરપાડાના વતની અને હાલ પાસોદરા પાટિયા પાસે લેસપટ્ટીના કારખાનામાં કામ કરતા અને ત્યાં જ રહેતા બે મિત્રો સાહિલ રાજેન્દ્ર વસાવા (ઉ.વ.૧૮) અને સાહિલ દિનેશ વસાવા (ઉ.વ.૨૦) ગઈકાલે સાંજે ૮:૦૦ વાગ્યાના અરસામાં બાઈક પર પાસોદરા થી વરાછા તરફ કામ અર્થે આવી રહ્યા હતા. દરમિયાન બાઈક સવાર સાહિલ રાજેન્દ્ર વસાવાએ લસકાણા બીઆરટીએસ કોરિડોર માંથી પગપાળા નોકરી પરથી ઘરે જતા દિનેશ રાણાભાઈ દેસાઈ (ઉ.વ.૪૪ રહે.લસકાણા મૂળવતન બનાસકાંઠા) ને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોચતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાઈક ચાલક સાહિલ રાજેન્દ્ર વસાવા અને રાહદારી દિનેશ દેસાઈને ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાઈક પાછળ બેસેલ મિત્ર સાહિલ દિનેશ વસાવા હાલ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. મૃતક સાહિલ ત્રણ બહેનોનો એકનો એક જ ભાઈ હતો. મૃતક સાહિલના પિતા વતનમાં જ ખેતીકામ કરે છે. જયારે મૃતક રાહદારી દિનેશ દેસાઈ લસકાણા ડાયમંડ નગર ખાતે લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. આ અકસ્માતના બનાવ અંગે સરથાણા પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief