મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેડૂતોના વિવિધ પ્રશ્નને લઈને સતત કેન્દ્ર સરકારમાં રજુઆત કરતા આવ્યા છે.ખાતર મામલે સાંસદ હરિભાઈ પટેલની રજુઆત બાદ હવે દિવેલા પકવતા ખેડૂતોના આર્થિક ફાયદા અર્થે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને રજુઆત કરી છે. ગુજરાત અને એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે દિવેલા મુખ્ય પાક રહ્યો છે, પરંતુ વર્તમાન સમયમાં કૃષિ ઉત્પાદન ખર્ચ સામે દિવેલાનું વર્તમાન બજાર મૂલ્ય ખૂબ ઓછું હોવાથી સાંસદ હરિભાઈ પટેલે દિવેલાના પાકનો ન્યૂનતમ ભાવ નિયત કરવા કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી આઈ. પટેલને પણ પત્ર દ્વારા રજુઆત કરી છે.
સાંસદશ્રી એ જણાવ્યું છે કે ,” વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કૃષિ ક્ષેત્રે ખેડૂતોને અનેક રીતે મદદ કરી રહી છે અને ખાસ કરીને લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરીને સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કામ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં મગફળી, મૂંગ, અડદ અને અન્ય પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે અને ખેડૂતોને કૃષિ પેદાશો માટે વાજબી ભાવ યોજનાની ઉત્તમ કામગીરી બદલ હું ભારત સરકારને અભિનંદન આપું છું.”
દિવેલા એટલે કે એરંડા એ ગુજરાત રાજ્યનો મહત્વનો પાક છે અને તે ઉત્તર ગુજરાતમાં પણ સૌથી વધુ ઉગાડવામાં આવે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો, દિવેલા ૬ .૮૦ લાખ હેક્ટરમાં ઉગાડવામાં આવે છે અને તેનું ઉત્પાદન ૧૩ . ૯૨ લાખ મેટ્રિક ટન છે. મહેસાણા જિલ્લામાં ૮૭૦૦૦ હેકટરમાં દિવેલાની ખેતી થાય છે અને ૨.૧૧ એકરમાં ઉત્પાદન થાય છે જેની ઉત્પાદકતા ૨૪૨૨ કિગ્રા પ્રતિ હેક્ટર છે. નર્મદા યોજનાની સિંચાઈ સુવિધાને કારણે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના પાકો લેવામાં આવી રહ્યા છે.
દિવેલા એટલે કે એરંડાનો એપીએમસી બજાર ભાવ છેલ્લા કેટલાક સમયથી રૂ. ૧૦૦૦-૧૨૦૦ પ્રતિ મણ આસપાસ સ્થિર છે, જ્યારે ખેડૂતો માટે ખેતીનો ખર્ચ વધી ગયો છે. આવી સ્થિતિમાં ખેડૂતોનો ખર્ચ વધી રહ્યો છે અને પ્રતિ હેક્ટર નફો ઘટી રહ્યો છે. સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા જરૂરી છે.આથી હું આશા રાખું છું કે તમે આ મુદ્દા પર ધ્યાનપૂર્વક વિચાર કરશો અને ખેડૂતોને મદદ કરશો….. એમ અખબારી યાદીમાં જણાવેલ છે.
હરિભાઈની આ અરજીથી ખેડૂતોમાં ખુશહાલી છવાઈ ગઈ છે.
અહેવાલ : આશિષ પટેલ
Mo -987 986 1970
