સમય સાથેનું પરિવર્તન સમાજે સ્વીકારવું પડે :-મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
સુખ દુઃખ મનની અવસ્થા છે, દરેક સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ બનવા અપીલ કરતા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ની ગરિમામય ઉપસ્થિતિ અને પદ્મ શ્રી ડૉ. કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડા ભા હોલ પાટણ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભ કામનાઓ અને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, વિધાર્થીઓનું સન્માન એ સમાજ માટે મોટીવેશનનું કામ કરે છે. આવા કાર્યક્રમો સમાજમાં હકારાત્મક અસર ઉભી કરે છે. દરેક વસ્તુના બે પાસા હોય છે. સમય, સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે સત્ય બદલાય છે. પરિસ્થિતિને આધીન નિર્ણય લેવાનો હોય છે. રામાયણ યુગમાં લોકોએ કાયદો અને
આચારસંહિતા આત્મસાત કરી હતી. જ્યારે આજના કળિયુગમાં એ શકય નથી. આજે દરેક બાબતની આચાર સંહિતા ઘડવી પડે. સત્ય યુગે યુગે બદલાય છે, પણ સત્યનો માર્ગ છોડી ન શકાય. સમય સાથેનું પરિવર્તન સમાજે સ્વીકારવું પડે છે. આપણું યુવાધન નોલેજ અને ટેકનોલોજી બાબતમાં આજે દુનિયામાં ડંકો વગાડે છે. આપણું જ્ઞાન આપણાથી બહાર ન જાય એવી તકો ઊભી કરવા સમાજને અનુરોધ કર્યો હતો. સુખ દુઃખ મનની અવસ્થા છે એ સ્વીકારી પ્રભુનો આભાર માનવો જોઈએ અને દરેક સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે શ્રી માધવપીઠાધિશ્વર શ્રી 1008 મહામંડલેશ્વર પ.પૂજય સ્વામી જગદિશાનંદ સાગર મહારાજશ્રી, મોટીવેશન વક્તા સંજયભાઈ રાવલ, પ્રો. કિશોરકુમાર સી. પોરીયા – કુલપતિ HNGU, વરિષ્ઠ પત્રકાર શ્રી મણીભાઈ એમ. પટેલ સહિત સામાજીક, રાજકીય અને શૈક્ષિણક અગ્રણીઓ તથા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
