શનિવારે વરસીદાન વરઘોડો, કોળીયા વિધિ, આખરી અલવિદા કાર્યક્રમ : રવિવારે દીક્ષા મહોત્સવ
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ – પાળિયાદના આંગણે ૨૫ વર્ષે પૂર્વે આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ. સા. ના સાંનિધ્યે યુવાપ્રેરક પૂ. જયેશચંદ્રજી મ.સા. ના ઉજવાયેલ દીક્ષા ઉત્સવ બાદ માતા જવનીકાબેન અને દીપકભાઈ ચંપકભાઈ માલવણીયા ના સુપુત્ર દર્શનકુમાર ૧૯ વર્ષની વયે તા. ૨ને રવિવારે જૈનધર્મની દીક્ષા ગચ્છાધિપતિ પૂ. શૈલેષચંદ્રજી મ. સા. ના મુખે અંગીકાર કરશે.
આ દીક્ષા મહોત્સવની વિગત આપતાં જે. એસ. એમ. પરિવારના યુવાનોએ જણાવેલ કે – દીક્ષાર્થી દર્શનકુમારની ડ્રાયફ્રુટ તુલા વિધિ અને ભાઈ-બહેનની રક્ષાબંધન કાર્યક્રમમાં પૂ.જયેશચંદ્રજી મ. સા. ગોંડલ સંપ્રદાયના શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવ તથા સંઘાણી ના ગાદીપતિ પૂ. પંથકમુનિ મ. સા., ગોપાલના પૂ. દીપમુનિ મ. સા. કુલ ઠાણા – ૯ સંતો તથા બોટાદ ના પૂ. સવિતાબાઈ મ.સ., આદિ, ગોંડલના ગુણીબાઈ મ. સ. આદિ, અજરામરના પૂ. આરાધનાજી મ. સ., ખંભાતના પૂ. નમ્રતાજી મ.સ. તપાગચ્છના શાસનધ્રુમા મહાસતીજી સહિત ૪૧ ઠાણાનું સ્વાગત કરેલ.
પૂ. ધીરગુરુદેવે વિશાળ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે – અન્નના અનાદરથી બચવા જમતી વખતે મૌન રાખવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
અનેક ભાવિકોએ પ્રતિજ્ઞા ગ્રહણ કરેલ. બપોરે દીક્ષાર્થીના ઉપકરણની સ્વસ્તિક વિધિ અને રાત્રે જિનશાસન કસુંબીનો રંગ – લોકડાયરો અભેસીંગ રાઠોડે રજૂ કરેલ.
આજે તા. ૦૧/૦૩/૨૫ ને શનિવારે સવારે ૮:૩૦ કલાકે વરસીદાન શોભા યાત્રા, દાતા સન્માન અને સંયમ વંદના કાર્યક્રમ તેમજ બપોરે ૨:૩૦ કલાકે દીક્ષાર્થીની કોળિયાવિધિ અને રાત્રે ૮:૦૦ કલાકે આખરી અલવિદા કાર્યક્રમ યોજાશે.
જોગાનુજોગ પૂ. જયેશચંદ્રજી મ. સા. ની સંયમ રજત જયંતિ શનિવારના હોવાથી સોનામાં સુંગધ ભળી છે.
પાળિયાદની ભૂમિમાંથી પૂ. જેચંદ્રજી મ.સા., આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા., પૂ. જયેશચંદ્રજી મા., પૂ. ગુણવંતીજી મ. સ., પૂ. વસુમતીજી, પૂ. રંજનજી મ.સ., પૂ. સુશીલાજી મ. સ., પૂ. રક્ષાજી મ.સ., પૂ. રોશનીજી મ.સ., પૂ. ચાંદનીજી મ. સ., પૂ. સુપદ્માજી મ. સ. એ સંયમ અંગીકાર કરેલ છે.
તા. ૨ને રવિવારે સવારે ૮:૧૫ કલાકે, દીક્ષા શોભાયાત્રા અને ૯:૧૫ કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ થશે. ભાવિકોને દીક્ષા પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
અહેવાલ કનુભાઈ ખાચર
