મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું કરાશે ઉદ્દઘાટન
સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
આગામી તારીખ ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, અંબાજી ખાતેથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરાશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૨૫ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાશે. આગામી તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૧૧/૦૪/૨૦૨૫ દરમ્યાન અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન કરાશે. જેમાં દેશભરના ૬૦૦થી વધુ મહિલા આર્ચરી રમતવીરો ભાગ લેશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરીઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આર્ચરી રમતોનું આયોજન કરાશે.
સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ સ્પર્ધામાં ખેલાડીઓ, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે ત્યારે જિલ્લા કલેકટરશ્રીએ તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે થાય તે મુજબ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
