સાંતલપુર, પાટણ જિલ્લામાંથી:
સાંતલપુર તાલુકાના પીપરાળા, રોઝુ, ગરામડી, મઢુત્રા, દાત્રાણા, વૌવા અને આસપાસના ગામોમાં છેલ્લા 30 કલાકથી વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાયો છે. 45 ડિગ્રી સુધી પહોંચી ગયેલા તાપમાને ગામ લોકોના જીવન પર ગંભીર અસર કરી છે. બાળકો, વૃદ્ધો અને દર્દીઓ પરિસ્થિતિના સૌથી વધુ ભોગ બની રહ્યા છે.
શરુઆતમાં વીજ કંપની UGVCL તરફથી ચોમાસા પૂર્વે મેન્ટેનન્સના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. પરંતુ સ્થાનિક સ્તરે પૂરતું મેન્ટેનન્સ થયું નહીં હોવાથી ભારે પવન અને વરસાદના કારણે અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી થઈ ગયા છે તથા વાયર અને ઇન્સ્ટોલેશન ખરાબ હાલતમાં છે.
ગ્રામજનો દ્વારા વારંવાર કંપનીના કર્મચારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓના ફોન બંધ હોવાનું જણાવાયું છે.
પીપરાળા ગામના સરપંચ મયુરસિંહજીએ જણાવ્યું કે,
“છેલ્લા 36 કલાકથી વિજળી ખોરવાઈ છે. અમારે અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી. અધિકારીઓ પોતાનાં ફોન પણ બંધ કરી ચૂક્યા છે.”
મઢુત્રા ગામના પૂર્વ સરપંચ રાજુભાઈએ જણાવ્યું કે
“જ્યારે અમે કંપનીના અધિકારીઓને ફોન કરીએ છીએ ત્યારે તેઓ સ્ટાફ ન હોવાની વાત કરી જવાબ ટાળી દે છે. સામાન્ય વરસાદ કે પવન આવે તો પણ વીજળી બંધ થઈ જાય છે – એમાંથી સ્પષ્ટ થાય છે કે કંપનીની તૈયારી અપૂરી છે.”
આ ગામોના લોકો વીજ તંત્રની અવ્યવસ્થાથી ત્રસ્ત છે અને સરકારે કે વીજ કંપનીએ સમયસર પગલાં નહીં લે તો ઉગ્ર પ્રદર્શન થવાની ચીમકી પણ મળી રહી છે. હાલ તાત્કાલિક વ્યવસ્થાપક પગલાં લેવાની તાકીદ ઊભી થઇ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
