સભાસદોની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઓફિસ ડાયરીનું વિમોચન, મૃત્યુ સહાય નિધિ અંતર્ગત પાંચ લાખનો ચેક અર્પણ, નિવૃત્ત કર્મચારીનુ સન્માન અને વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું
કેબિનેટમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સિદ્ધપુર ખાતે સિધ્ધપુર ડીવીઝન ગ્રીડ સ્ટાફની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. નો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો. જેમાં કેબિનેટમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના ઓફિસ ડાયરીનું વિમોચન તેમજ મૃત્યુ સહાય નિધિ અંતર્ગત પાંચ લાખનો ચેક અર્પણ, નિવૃત્ત કર્મચારીનુ સન્માન અને સભાસદોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતા બદલ ઈનામ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે કેબિનેટમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સભાસદોની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમાંથી પ્રેરણા લઈ સમાજના હિતમાં આવા સેવાકીય કાર્યો કરવા તેમણે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે એક જમાનો હતો ભારત દેશ સોનાની ચિડિયા કહેવાતો હતો, વિશ્વનો ૨૫% વેપાર ભારતમાં થતો હતો. આજે સ્થિતિ બદલાઈ છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આજે આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ. ૧૪૦ કરોડ લોકો આત્મનિર્ભર બને એવા પ્રયાસો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલગથી સહકાર વિભાગ ઊભો કરી તેના દ્વારા અનેક ક્ષેત્રે પ્રગતિ કરી શકાય એવી વ્યવસ્થા ઉભી કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું છે. વિશ્વની સૌથી મોટી સો કંપનીઓ ગુજરાતમાં છે. વિકસિત ભારતનો નકશો તૈયાર છે ત્યારે વિકસિત ગુજરાતમાં સૌના સાથ સહકાર અને યોગદાન માટે મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી વાસણભાઈ આહિર – પૂર્વ મંત્રીશ્રી, શ્રી એન.એફ ચૌધરી- એમડી યુ.જી.વીસી.એલ, શ્રી સુરેશભાઈ જી. દેસાઈ – પ્રમુખ, શ્રી બળદેવભાઈ પટેલ – સિનિયર સેક્રેટરી જનરલ, એ.જી.વિ.કે.એસ., શ્રી સુરેશભાઈ પટેલ – ચેરમેનશ્રી જિલ્લા સહકારી સંઘ પાટણ, શ્રી વી. બી. બોડાત – અધિક્ષક ઈજનેરશ્રી, યુજીવીસીએલ., શ્રી એ. એચ. પટેલ – કાર્યપાલક ઈજનેરશ્રી, યુજીવીસીએલ., વિભાગીય કચેરી સિધ્ધપુર, શ્રી વી. આર. ચૌધરી – કાર્યપાલક ઈજનેરશ્રી, જેટકો, વિભાગીય કચેરી ખેરાલુ, કારોબારી સભ્યશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
