વરસાદી પાણીને સંગ્રહિત કરી જળ સ્તર ઊંચું આવે એવું આયોજન કરાયું છે:- કેબિનેટમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત”
અટલ ભૂ જળ યોજના અંતર્ગત મંજૂર થયેલા કામોને ઝડપથી પૂરા કરવા મંત્રીશ્રીનું સૂચન
પાટણ જિલ્લામાં કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જિલ્લામાં પાણીની સંગ્રહ ક્ષમતા અને જળ સ્ત્રાવોની પરિસ્થિતિ પર કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજરોજ કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં કેબિનેટમંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂતે જિલ્લામાં અટલ ભૂ જળ યોજના અંતર્ગત મંજૂર થયેલા કામોને ઝડપથી પૂરા કરવા અને જિલ્લામાં પાણીનું સ્તર ઊંચું લાવવા માટે જન ભાગીદારી અને દાતાઓના આર્થિક સહયોગથી પાણીના કામો પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.
કેબિનેટ મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે વરસાદી પાણીને કેવી રીતે સંગ્રહિત કરી શકાય, કેવી રીતે જમીન માં ઉતારી શકાય એ બાબતની ચિંતા કરી જિલ્લામાં પાણીનું સ્તર ઊંચું આવે એ પ્રકારનું આયોજન વ્યવસ્થા કરવા સુચન કરવામાં આવ્યું છે. જિલ્લામાં પાણીની સ્થિતિ સુધરે એ માટે સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, સંગઠન અને સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ, ડેરી, ગ્રામ પંચાયતો, પાલિકાઓ, દાતાઓ એમ તમામના સાથ સહકારથી પાણીના કામો કરવામાં આવશે. શાળા, કોલેજો, સરકારી ઓફિસો પંચાયત ઘર જેવા સ્થળોએ પણ જળ સંગ્રહ નું કામ કેવી રીતે કરી શકાય એ બાબતની સમીક્ષા કરાઈ છે. પાટણ જિલ્લામાં દસ હજાર ખાડાઓ કરવા, બંધ હાલતમાં પડેલા બોર રીચાર્જ કરવા, જૂના કૂવામાં પાણી નાખવું, તળાવો ઉંડા કરવા, ખેતરમાં હોલિયા બનાવવા જેવા કામો કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલ બેન ઠાકોર, ધારાસભ્ય સર્વશ્રી લવિંગજી ઠાકોર, શ્રી કિરીટ પટેલ, કલેકટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ, સહિત તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
