જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૨, જુનથી ૨૪ જૂન સુધી (બંને દિવસો સહિત) લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર મનાઈ
ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે.
જેથી ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો, કાર્યકરો વિગેરે દ્વારા ચૂંટણીના પ્રચારના કોઈ હેતુ માટે સભા કે સરઘસોમાં માઈકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય હોય તેમજ લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો / જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
જે અન્વયે, શ્રી તુષાર ભટ્ટ (IAS) જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ ની પેટા-કલમ-૧(આર)(૩) અન્વયે મળેલ સત્તાની રૂએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૨/૦૬/૨૦૨૫ થી તા.૨૪/૦૬/૨૦૨૫ સુધી (બંને દિવસો સુધ્ધાંત) નીચેની વિગતે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવવામાં આવે છે.
1. પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર દરમિયાન સભા, સરઘસ કે વાહન પર માઈક વગાડી / રાખી શકાશે નહી.
2. સવારના ૦૮.૦૦ કલાકથી રાત્રિના ૧૦,૦૦ કલાક સુધી જ માઈક / લાઉડ સ્પીકરનો ઉપયોગ સબંધિત તાલુકા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીની પરવાનગી મેળવીને જ કરવાનો રહેશે અને પરવાનગી માટે ૪૮ કલાક પહેલા અરજી કરવાની રહેશે.
3. ઉપર મુજબ નિયત થયેલા સમય સિવાય ઉપયોગમાં લેવાયેલ કોઈપણ લાઉડ સ્પીકર કે તેની સાથે જોડાયેલ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે.
4. વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડ સ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તા અધિકારીશ્રીને આ વાહનોની નોંધણી / ઓળખ નંબરો જણાવવા અને પરવાનગીપત્ર પર નોંધ કરવાની રહેશે.
5. લેખિત પરવાનગી વગર જે વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને તમામ ઉપકરણો સહિત જપ્ત કરવામાં આવશે.
6. ઉમેદવારે કે કાર્યકરે ઉપરોકત જણાવ્યા મુજબની પરવાનગી મેળવી તેની જાણ ચૂંટણી અધિકારીશ્રીને અને સ્થાનિક પોલીસ અધિકારીને કરવાની રહેશે.
7. પાટણ જિલ્લા મતવિસ્તારમાં મતદાન શાંતિથી સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમય પહેલાના ૪૮ કલાક દરમ્યાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં.
આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના હાજર પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓએ કરવાની રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
