ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે.
પાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતવિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહી અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવા અત્યંત જરૂરી જણાતુ હોવાથી તથા ભારતના બંધારણના અનુચ્છેદ-૨૪૩ ની જોગવાઈ હેઠળ શાંતિપૂર્ણ, મુકત અને ન્યાથી વાતાવરણમાં ચૂંટણી યોજવા નિવારક પગલાંના ભાગરૂપે વિવિધ પગલાંઓ લેવાનું જરૂરી જણાતું હોવાથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ પગલાં લેવા માટેનાં પુરતા કારણો છે.
જે અન્વયે,શ્રી તુષાર ભટ્ટ (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ગ્રામ પંચાયતને અનુલક્ષીને જાહેર શાંતિ અને સલામતીના હિતમાં ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મને મળેલ સત્તાની રૂએ પાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતવિસ્તારોમાં રહેતા દરેક જાતના હથિયારોના પરવાનેદારોને આદેશ કરવામાં આવે છે કે તેઓએ તેમની પાસેના પરવાનાવાળા દરેક પ્રકારના હથિયારો આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી તાત્કાલીક જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં અનામત જમા કરાવી દેવા અને સંબંધકર્તા તમામ પોલીસ સ્ટેશનોએ તેમના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રહેતા અને હથિયાર પરવાનો ધરાવતા તમામ હથિયાર પરવાનેદારશ્રીઓ તરફથી તેમના પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવે તે માટેના પગલાં લેવા તેમજ આ પ્રકારે તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ અત્રેની કચેરીને કરવા આદેશ કરવામાં આવે છે.
આ આદેશ જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ તરફથી ઈસ્યુ કરાયેલ લાયસન્સો સિવાય બીજા પણ દરેક હથિયાર પરવાનેદારો કે જેઓએ બીજા કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિશ તરફથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશપાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને લાગુ પડશે તેમજ હથિયાર ખરીદ-વેચાણ કરતાં પરવાનેદારો હથિયાર ખરીદ-વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાની તારીખથી બે માસ સુધી કે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સુધી પરવાના ધારકોને કરી શકશે નહિં તેમજ સંબંધિત પોલીસ સ્ટેશને જે તે પરવાનેદારશ્રીને તેમનું અનામત જમા લીધેલ હથિયાર તા.૨૭/૦૬/૨૦૨૫ પછી પરત કરવાનું રહેશે અને તેના માટે કોઈપણ અલગ હુકમની જરૂરીયાત રહેશે નહી.
આ આદેશમાંથી નીચે જણાવ્યા મુજબના હથિયાર પરવાનેદારશ્રીઓને મુક્તિ આપવામાં આવે છે.
પાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતવિસ્તારોમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહિત) સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજય કે રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોટર્સ પર્સન છે તેમને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. પરંતુ જે તે વ્યક્તિના વ્યક્તિગત નામે ઈસ્યુ થયેલ પરવાનેદાર હથિયાર ધારકોને ઉકત આદેશમાંથી મુક્તિ મળશે નહી.
માન્યતા ધરાવતી સીકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શીયલ બેંકો, એ.ટી.એમ. તથા કરન્સી / ચેકની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સીકયુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આવા સીકયુરીટી ગાર્ડ તેઓ જે તે બેંકમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સબંધિત બેંક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે તેમજ જે તે સબંધિત બેંકના મેનેજરશ્રીએ આવા સીકયુરીટી ગાર્ડની વિગતવારની માહિતીની જાણ જે તે સંબંધિત પો.સ્ટે.ને કરવાની રહેશે અને સંબંધિત પો.સ્ટે.એ આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે.
કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના અધિકારી / કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર સાથે રાખવાની મંજુરી આપેલ છે અને ચૂંટણીના ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીએ ખાસ પરવાનગી આપેલ હોય તેમને લાગુ પડશે નહી.
હથિયાર પરવાનેદારોએ ઉકત વિગતે તેમના પરવાનાવાળા હથિયારો જે તે લગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે, તે હથિયારના કાર્ટીજ / દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી.
આ આદેશનું પાલન નહી કરનાર શસ્ત્ર અધિનિયમ – ૧૯૫૯ ની કલમ – ૨૫ હેઠળ સજાને પાત્ર ઠરે છે તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ પણ પગલાં લેવામાં આવશે. તેમજ સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ સંબંધિત પોલીસ અધિકારીશ્રીએ કરવાની રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
