પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપૂરા ગામે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવતો અને કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડતો નિર્ણય લેવાયો છે.
આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ફૂલપૂરા ગામે સરપંચ પદે મુસ્લિમ સમુદાયની મહિલાને સર્વસંમતિથી બિનહરીફ જાહેર કરવામાં આવી છે. ગામમાં કુલ 640 જેટલા મતદારો છે, જેમાંથી લગભગ 600 હિંદુ અને માત્ર 40 મુસ્લિમ મતદારો છે. તેમ છતાં સમગ્ર ગામે ધાર્મિક ભેદભાવથી ઉપર ઉઠી સરિફાબાનુ જાહિદખાનને સરપંચ તરીકે ચૂંટણી વગર પસંદ કરી લેવામાં આવી છે.
ફૂલપૂરા ગામ અગાઉ જારૂસા જૂથ ગ્રામ પંચાયત હેઠળ હતું અને વિભાગ બાદ આ પ્રથમવાર પોતાનું ચૂંટણી આયોજન કરી રહ્યું છે. તાજેતરના આ નિર્ણયથી ગામના લોકોએ ભાઈચારો, સાંપ્રદાયિક સહઅસ્તિત્વ અને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઘટના માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહી છે કે જ્યાં મતભેદો, ધાર્મિક ભિન્નતા કે રાજકીય સ્પર્ધાને બાજુએ મૂકી વિકાસ માટે એકતા સાથે આગળ વધવાનો માર્ગ પસંદ કર્યો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
