પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકાની બેદરકારી સામે લોકોનો કંટાળો ઉફાળે ચડ્યો છે.
શહેરના પટણી દરવાજા થી મીરા દરવાજા સુધીના રસ્તાઓની દયનીય સ્થિતિ અને ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે વેપારીઓ અને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.
જાહેર માર્ગ પર “રાધનપુર નગરપાલિકાનો વિકાસ =
ખાડા અને ગટર થી સાવધાન!” લખેલું બોર્ડ લગાવાઈ, પાલિકા સામે તીવ્ર રોષ વ્યક્ત કરાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ મહિનાથી રસ્તા પર ગટરના ઢાંકણા તૂટી ગયા છે અને ગંદું પાણી રોડ પર વહેતી સ્થિતિમાં છે, જેના કારણે વાહનચાલકો અને પાદચારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસી ઇમરાનભાઈએ જણાવ્યું કે,
શહેરના મુખ્ય માર્ગો પર ખાડાં અને ગંદા પાણીના કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલી પડી રહી છે, છતાં પાલિકા દ્વારા રજૂઆત છતાં કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
આ મુદ્દે ચિંતિત રહીશોએ જણાવ્યું કે,
પાલિકા બાયપાસ રોડ માટે કરોડો ખર્ચે કામ કરે છે પણ મીરા દરવાજા થી પટણી દરવાજા સુધીનો માર્ગ તરછોડી દેવામાં આવ્યો છે.
લોકોના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી અને તંત્રનું મૌન નાગરિકોને હેરાન કરી રહ્યું છે.
શહેરના મુખ્ય માર્કેટ વિસ્તારમાં પડેલા ખાડાઓને કારણે વાહન અકસ્માતોની સંભાવના વધી રહી છે.
લોકોનો આક્ષેપ છે કે પાલિકા માત્ર કાગળ પર વિકાસ દર્શાવે છે, જમણી પરિસ્થિતિ તો તેની વિપરીત છે.
આમ, નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે ત્રસ્ત રહેવાસીઓ અને વેપારીઓએ છેલ્લે રસ્તા પર બોર્ડ લગાવીને પોતાનો વિરોધ જાહેર કર્યો છે,
જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
