પસવાદળ પોળ, ગૌશાળા સિકોતેર માતા રૂણમુક્તેશ્વર મહાદેવ નજીક વિસ્તારોમાં ગટરની ગંભીર સમસ્યા યથાવત્ – નગરપાલિકા નિષ્ક્રિય!
પસવાદળની પોળ તથા તેની આજુબાજુ આવેલા વિસ્તારમાં ગટરો ઊભરાતી સ્થિતિમાં છે અને વર્ષોથી આ સમસ્યા યથાવત છે. નગરપાલિકા દ્વારા ન તો યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરાઈ છે કે ન તો કર્મચારીઓ પર યોગ્ય અંકુશ જોવા મળે છે. સ્થાનિક નદીમાં વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો, જે હવે રિવરફ્રન્ટના કામના કારણે બંધ થઈ ગયો છે. પરિણામે નદીમાં જતું પાણી રસ્તાઓ અને ઘરોમાં ઘૂસવાની સ્થિતિ સર્જી રહ્યું છે.
સ્થાનિકો આ અંગે કઠોર શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.
“ઘોર પાપ થઈ રહ્યું છે…
તંત્રને ન શરમ આવે ન જવાબદારી ભાન રહે,” એમ ગામલોકો રજૂઆત કરે છે. પવિત્ર સ્થળો પાસે અસ્વચ્છતા હોવા છતાં તંત્રની આંખ આડી છે. હજારો ભક્તો દરરોજ દર્શન માટે આવે છે પણ ગંધ અને ગંદકીના કારણે નાક બંધ કરીને દર્શન કરવા પડે છે – આ સ્થિતિ શરમજનક ગણાય.
વિશેષ વાત એ છે કે જ્યાં જ્યાં નદીમાં વરસાદી પાણી વહેતું હતું, ત્યાથી નિકાલ બંધ કરી દેવામાં આવ્યો છે – જેને કારણે હવે વરસાદ પડે તો પાણી મથક થઈ જાય છે અને લોકોના ઘરોમાં ઘૂસે છે.
સ્થાનિક કોર્પોરેટરો પણ તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. તંત્ર AC ઓફિસોમાં બેઠું રહે છે, પગાર લે છે પણ પ્રજાની કોઈ ચિંતા નથી. “પ્રજા ત્રસ્ત નેતા મસ્ત” કહેવત અહીં સાચી ઠરે છે.
તાત્કાલિક પગલાંની માંગ
સ્થાનિકો દ્વારા તાત્કાલિક નવા ડ્રેનેજ સોલ્યુશન તથા જૂના રસ્તાઓ અને નદીના નિકાલને ફરી ખુલ્લા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
