જૂનાગઢ: સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે મેળાનું વિશેષ મહત્ત્વ છે. તહેવાર અને જન્મદિવસની જેમ સૌરાષ્ટ્રના મેળાની લોકો કાગડોળે રાહ જોતા હોય છે. સુરેન્દ્રનગરના થાનગઢ સ્ટેશનથી છ માઇલ દૂર આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા જગવિખ્યાત તરણેતરના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. આ મેળામાં વિવિધ પ્રકારની સ્પર્ધા પણ યોજાતી હોય છે. જેમાં પશુઓ માટે પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી. આ સ્પર્ધામાં જૂનાગઢનો પાડાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જેણે લોકોનું આકર્ષણ વધાર્યું હતું. આવો આ પાડા વિશે જાણીએ.
પશુુપાલનનો વ્યવસાય કરતા પરબતભાઈ
જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામના વતની એવા પરબતભાઈ દીવરાણીયા હાલમાં પશુધનનો વ્યવસાય કરે છે. આ ગામની ખાસ વાત એ છે કે, અહીં માણસો કરતા પશુઓની વસ્તી બે ગણી છે. ધંધુસર ગામમાં 5000 જેટલી વસ્તી છે. જેની સામે 7000 જેટલું પશુધન આજે પણ આ ગામમાં સચવાયેલું છે. જેમાં પરબતભાઈ અને તેમના પશુઓનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ પશુપાલનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ઘણા વર્ષોથી તે પશુઓનો નિભાવ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
પરબતભાઈના પાડાને 51,000નું ઇનામ મળ્યું
પરબતભાઈના પશુઓમાંથી એક પાડો તરણેતરના મેળામાં પ્રથમ આવ્યો હતો. જેને લઈ પરબતભાઈને 51,000નું ઇનામ પણ આપવામાં આવ્યું છે. પરબતભાઈના જણાવ્યા અનુસાર, બે વર્ષના પાડાની જ્યારે ખરીદી કરી હતી. ત્યારે આ પાડાને થોડી સારવારની જરૂર હતી. પછી જેમ જેમ તે નિભાવ કરતા ગયા તેમ તેમ તે ખૂબ સારો થયો. અત્યાર સુધીમાં ગામમાં 500 જેટલા બચ્ચાઓને જન્મ અપાવી ચૂક્યો છે.
1,25,000 રૂપિયા સુધીમાં લોકો ખરીદવા છે તૈયાર
જાફરાબાદી નસલનો આ પાડો અત્યારે હાલમાં ઘણા લોકો માંગી ચૂક્યા છે. છેલ્લે 1,25,000 રૂપિયા સુધીમાં માંગણી કરવામાં આવી હતી. છતાંય પરબતભાઈ દ્વારા આ પાડાને વેચવામાં આવ્યો નથી. અત્યારે હાલમાં આ પાડાની ઉંમર 5.5 વર્ષ છે. દર વર્ષે એકથી દોઢ લાખ જેટલો નિભાવ ખર્ચ આ પાડા પાછળ કરવામાં આવે છે. તેનાથી જન્મતા દરેક બચ્ચાઓ સ્વસ્થ જન્મે છે અને સામાન્ય રીતે માંદા પડતા નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
