જૂનાગઢ: 10 દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવની શરૂઆત “ગણપતિ બાપ્પા મોરયા”ના જાપ અને ઢોલના તાલ સાથે થઈ ગઈ છે. જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ભક્તોએ ભક્તિભાવ પૂર્વક સંકટ મોચનની સ્થાપના કરી છે. જૂનાગઢમાં અનેક પંડાલમાં વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. જો કે જૂનાગઢમાં આવેલા કેશોદમાં અનોખી રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ખાસ કરીને ગણપતિને પ્રિય એવા મોદકની એક અનોખી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સૌથી વધુ મોદક કોણ ખાઈ શકે છે તેની આ સ્પર્ધા એક સુંદર સંદેશ સાથે યોજાઈ હતી.
કેશોદમાં યોજાઈ અનોખી સ્પર્ધા
કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા અને લાડુ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા 38 સ્પર્ધકો અને લાડુ ભોજન સ્પર્ધામાં 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ અને લાડુ સ્પર્ધા યોજવાનું કારણ
ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્પર્ધા યોજવા પાછળના કારણ અને સંદેશની વાત કરીએ તો, ગણેશોત્સવ આવતા ઘણી જગ્યાઓ પર પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે. જેનું વિસર્જન કર્યા બાદ તે પાણીમાં ઓગળી ન શક્તિ હોવાથી નદી અને તળાવોના પાણી દૂષિત થતા જોવા મળતા હોય છે. જે વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ માટી, લોટ, પાંદડાં, કાગળ, પૂંઠા, સળી જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી ગણપતિ મહારાજનું સર્જન કર્યું હતું.
લાડુ સ્પર્ધાની વાત કરીએ તો, હાલના સમયમાં યુવાનો જંકફૂડના દિવાના બની ગયા છે. લોકોમાં હાલ જંકફૂડનો ક્રેઝ વધી રહ્યો છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ધર્મ સંસ્કૃતિની સાથે સ્વાસ્થ્યને બચાવવા પારંપારિક સ્વાદિષ્ટ ભોજન તરીકે પચવામાં હળવા હોય તે ગણપતિજીને પ્રિય લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં તમામ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાવિપ દ્વારા તમામ પ્રત્યે આભાર પ્રકટ કર્યો હતો.
ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્પર્ધાના વિજેતા
એ ગ્રુપમાં પ્રથમ સોલંકી આસ્થાબેન, દ્વિતીય બેરા પરિન, તૃતીય જેઠવા ભક્તિબેન બી ગ્રુપમાં પ્રથમ મુછડીયા ધનવીબેન, દ્વિતીય કવા મિતલબેન, તૃતીય દેવાણી શિવાનીબેન વિજેતા થયા હતા. અને આ તમામને આયોજકોએ શુભેચ્છા પાઠવી હતી.
લાડુ સ્પર્ધાના વિજેતા
મોદક સ્પર્ધકો ભાઈઓમાં પ્રથમ ડાભી કુલદીપભાઈ, દ્વિતીય સિસોદિયા લખનભાઈ, તૃતીય પુરોહિત સુભાષભાઈ અને પુરોહિત મહેન્દ્રભાઈ જ્યારે બહેનોમાં પ્રથમ રૂપારેલીયા હીનાબેન, દ્વિતીય સિંગર નવ્યાબેન અને આહરા વેદિકાબેન, તૃતીય શેખ નબીલાબેન આમ મોદક સ્પર્ધામાં પણ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
