માતાના ચરણોમાં મુકો આસ્થા, અંધકારમાં પણ દેખાશે અજવાળારૂપી રસ્તા : શ્રી મેહુલભાઈ રવાણી
માતાજીના આરતીના અજવાળામાં સમસ્યાનો રસ્તો દેખાય છે અને દુઃખ કપૂરની જેમ ઉડી જાય છે : શ્રી મેહુલભાઈ રવાણી
મેહુલભાઈની ભક્તિ હિમાલય જેટલી મહાન છે,આજે સાચા અર્થમાં નવરાત્રી શરૂ થઈ હોય તેવો ભાસ થાય છે: શ્રી અભિલાષ ઘોડા
માતાજીની ભક્તિમાં જ્યારે વિશ્વાસ વધે ત્યારે ભક્તિ સફળ થઈ કહેવાય અને મેહુલભાઈ સફળ ભક્તિના પ્રણેતા છે : શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ
મેહુલભાઈ એ ખરા અર્થમાં આજે ભક્તિની શક્તિનું મહાપર્વ ઉજવ્યું છે : શ્રી મયુરભાઈ શાહ
મેહુલભાઈ નો કાર્યક્રમ એટલો દિવ્ય અને ભવ્ય હતો કે જાણે સાક્ષાત અંબાજી ખાતે મંદિરના ગર્ભગૃહમાં માતાજીની આરાધના કરતા હોય તેવો અનુભવ થયો: શ્રી હર્ષલભાઈ માંકડ
આ અનોખા સંગીતમય અને ભક્તિસભર કાર્યક્રમમાં હકડેઠઠ જનમેદની ઉમટી
ચારેકોર વેલકમ નવરાત્રીની બુમરાણ મચી છે ત્યારે રાજકોટમાં તદ્દન અલગ અને અનોખો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો. જેના ભક્તિના સાગરમાં સમગ્ર રાજકોટ રસતરબોળ થયું…વાત થઇ રહી છે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના શ્રી મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણી આયોજિત ઐતિહાસિક, અલૌકિક, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય કાર્યક્રમ “માં જગદંબાનો મહિમા” વિશે….
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા બિઝનેસમેન,વક્તા, લેખક, ફંડ ડિસ્ટ્રીબ્યુટર, અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર,વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર, સિંગર, યુવા જૈન અગ્રણી અને અંબા માતાજીના પરમ ઉપાસક શ્રી મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણી દ્વારા રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જ્ઞાન, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમો અનોખો કાર્યક્રમ “માં જગદંબાનો મહિમા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કાર્યક્રમના પ્રારંભે સંપૂર્ણ વિધિ વિધાનથી ૧૧ જેટલા ભુ-દેવો દ્વારા આદ્યશક્તિ “માં જગદંબા”ની શ્રદ્ધાપૂર્વક મહાપૂજા કરવામાં આવી હતી. જે બાદ વિવિધ નૃત્યો દ્વારા માં જગદંબાના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું હતું તો સાથો સાથ વિવિધ વક્તાઓ દ્વારા સંવાદ, કર્મ અને ધર્મ, નૃત્ય અને નાદ,સમર્પણ અને તર્પણના માધ્યમથી માં જગદંબાના મહિમાને વર્ણવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રાજકોટની જનતા સહપરિવાર ઉમટી હતી અને અત્યંત આનંદ, ઉત્સાહ, શ્રધ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ દિવ્ય પ્રંસગે આયોજક શ્રી મેહુલભાઈ રવાણીએ જણાવ્યું હતું કે,કોડિયામાં પ્રગટેલું અજવાળું પણ જાણે નાહીધોઇને ચોખ્ખું થઇને પ્રગટે ત્યારે જગતમાં નવરાત્રી ઉજવાઈ છે. અજવાળું આપણને અંધારામાં પ્રગટવાના પાઠ શિખવાડે છે અને યાદ અપાવે છે કે એક વાર પ્રગટતા આવડશે પછી જીવનના અંધકારનો પણ નાશ થશે.આવા દિવ્ય અજવાળા જોડે મનોમન વાતો કરવાનો અવસર એટલે માં જગદંબાની આરાધના..
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ નવરાત્રી આવી રહી છે ત્યારે આકરી પરિસ્થતિમાં જેમની ભક્તિથી અને આરતીના અજવાળામાં સમસ્યાનો રસ્તો દેખાય છે અને દુઃખ કપૂરની જેમ ઉડી જાય છે તેવા મારા પરિવારના આરાધ્ય દેવી,જગત જનની, સમસ્ત જગતના અધિષ્ઠાત્રી, રાજ રાજેશ્વરી અને સમસ્ત જગતના પાલનહર્તા એવા માતા અંબાજીના અદ્વિતીય મહિમાને વર્ણવતા એક ભક્તિ સભર કાર્યક્રમનું આયોજન કરવાની મારી અંતરની ઈચ્છા હતી. જે આજે ફળીભૂત થઇ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવરાત્રી એટલે શું ? વેર, ઈર્ષા, અજ્ઞાન, ક્રોધ, લાલચ, હિંસા જેવા અંદર અને બહારના દુર્ગુણોનો નાશ કરીને માં જગદંબાની પૂજા, અર્ચના કરવી એટલે નવરાત્રી.. સામાન્ય રીતે લોકો નવ દિવસ સુધી ગરબા દ્વારા નવરાત્રીની ઉજવણી કરે છે. દરેક ભક્ત પોતાના દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રધ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. શક્તિની ઉપાસના અલગ-અલગ રીતથી આખા ભારતવર્ષમાં કરવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,મૂળમાં ભક્તિ કે આરાધનાનું સ્વરૂપ ભલે અલગ-અલગ હોય પરંતુ ઉપાસના તો માતાજીની જ કરવામાં આવે છે. ત્યારે સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા માં જગદંબાની શ્રદ્ધા પૂર્વક ભક્તિ,ઉપાસના અને આરાધના કરવા માટે આ અનોખો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે. જેમાં રાજકોટની જનતા બહોળી સંખ્યામાં પણ માતાજીની ભક્તિના સાગરમાં ગળાડૂબ થઇ હતી.
આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ટીવી અને ફિલ્મ નિર્માતા શ્રી અભિલાષ ઘોડા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે, જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી.. આજે મેહુલભાઈ જે પ્રકારે માતાજીની સાચા મનથી ભક્તિ કરે એટલે એ નિહાળીને એક કલાના જીવ તરીકે એવું કહેવાનું મન થાય છે કે આજે સાચા અર્થમાં નવરાત્રી શરૂ થઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી અર્વાચીન પરંપરાને અનુરૂપ જે પ્રકારે માતાજીનો મહિમા અને સ્તુતિગાન કરવામાં આવ્યું છે. તેના માટે મારી પાસે એક જ શબ્દ છે “અદભુત”.. ખરેખર આ કાર્યક્રમની મહતાને ટુંકમાં વર્ણવું તો “માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો..” આજે આ પરિસર મંદિર બન્યું છે. એ જ મેહુલભાઈની સાચી ભક્તિની શક્તિ છે.
રાજકોટ શહેર ભાજપ ખજાનચી શ્રી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે, મેહુલભાઈ અતિ ધાર્મિક માણસ છે. તેઓ નિયમિત રીતે રોકાણ અંગે જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમો તો યોજે જ છે. સાથે સાથે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ મેહુલભાઈ કરે છે. જે વંદનીય છે. આમને આમ મેહુલભાઈ અનેક કાર્યક્રમો આપતા રહે અને સમાજ સેવાના ક્ષેત્રમાં અગ્રેસર રહે તેવી શુભકામના
વોઈસ ઓફ ડેનાં એમ.ડી. શ્રી કૃણાલભાઈ મણિયારે જણાવ્યું હતું કે, મેહુલભાઇનું આયોજન પ્રશંશનીય છે. તેઓ આ પ્રકારે અનેક કાર્યક્રમો યોજતા રહે એવી શુભકામના
શિવસેનાનાં પ્રદેશ પ્રભારી શ્રી જીમ્મીભાઈ અડવાણીએ જણાવ્યું હતું કે,મેહુલભાઈ રવાણી દરેક ક્ષેત્રે અગ્રેસર છે અને આજે તો તેમણે ચમત્કાર કરી દિધો. માં અંબાની આવી સુંદર ભક્તિ, અભિવ્યક્તિ બિરદાવવા લાયક છે. સદાય હંસતો ચહેરો રાખતા મેહુલભાઈ એ આજે સૌને ભક્તિના સાગરમાં ગળાડૂબ કર્યા છે. તેમની પ્રસ્તુતિ ના જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘનાં પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠએ જણાવ્યું હતું કે, મેહુલભાઈ તો મલ્ટીટેલેટેડ માણસ છે.બિઝનેસમાં મિટિંગ અને સેમિનારનું ખૂબ ન મહત્વ છે. તેઓ તો સેમિનારની સાથે આવા ભક્તિસભર કાર્યક્રમો પણ આયોજિત કરે છે. એ તો ખરેખર નોંધપાત્ર છે. માતાજીની ભક્તિમાં જ્યારે વિશ્વાસ વધે ત્યારે ભક્તિ સફળ થઈ કહેવાય અને મને મેહુલભાઈ ઉપર ખૂબ જ ગર્વ થાય છે કે તેમની ભક્તિ આજે સફળ થઈ છે જેના આપણે સૌ સાક્ષી બન્યા છીએ.
જયારે અભિનેતા અને લેખક શ્રી હર્ષલભાઈ માંકડે જણાવ્યું હતું કે,માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે. ત્યાર પછી એથીય અનેક ગણાં વધુ કષ્ટો વેઠીને તેને ઉછેરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે, મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. આજે તમે બધા એ અહી માતાજી ની ભાવ વંદના નિહાળી છે. તે એટલી દિવ્ય હતી કે જાણે આપણે સૌ અંબાજી મંદિરમાં ગર્ભ ગૃહની અંદર બિરાજીને સાક્ષાત જગદંબાની પૂજા કરતા હોય તેવો ભાસ થતો હતો. મેહુલભાઈ એ ખરા અર્થમાં આજે ભક્તિની શક્તિનું મહાપર્વ ઉજવ્યું છે. તેમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.
આ અનેરા-અનોખા મહોત્સવમાં એક અનુઠી અભિવ્યકિત લોકસાહિત્ય તથા હાસ્ય કલાકાર શ્રી હરદેવભાઇ આહિર દ્વારા કરવામાં આવી હતી. તેમણે આ તકે જણાવ્યું હતું કે, નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે;ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે, પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે;હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે, સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય;મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે, ન ખાવાનુ ખાવા માગ્યું હતુ;એ મહેમાન મહા ભારાડી છે,ખાંડણીયે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે,ખાંભીએ-ખાંભીએ સીંદુરીયો એ રંગ કાઠીયાવાડી છે;રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠીયાવાડી છે, અહીંસા તણી આંધી ફુકી, પણ સુરજ નહોતો આથમતો;લાકડી લઇને તોપુ તગેડી એ ગાંધી કાઠીયાવાડી છે, ગોકુળીયામા ગમ્યુ નહી; મથુરા મુકીને ભાગ્યો હતો,રણ-રણ જઇને રણછોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે અને માં જગદંબાના પરમ ઉપાસક એવા મેહુલભાઈ રવાણી પણ કાઠીયાવાડી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માતાજીના મહિમાને વર્ણવવા શબ્દોની નહિ પણ હૈયા દ્વારા હાકલ કરવાની જરૂર પડે છે. મા જગદંબા આ દુનિયાની સૌથી નિઃસ્વાર્થ વ્યક્તિ છે. આ દુનિયામાં માતાના પ્રેમની તુલના કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી કારણ કે તે પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. અને મેહુલભાઈએ આજે દિવ્ય સ્તુતિ કરી છે તે નિહાળીને આજે જાણે માતા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેવું તેજ અહી ફેલાયું છે. નવરાત્રી આવે છે ત્યારે ચારેકોર આધુનિક ગીતોના આધારે ગરબા રમાય છે પણ મેહુલભાઈ એ સંપૂર્ણ વિધિ વિધાનથી માતાજી ની ભક્તિ કરી છે. તેમની ભક્તિ સફળ થઈ છે તેની સાબિતી આપ સૌ છો. તમારા ચહેરાને હસતો રાખવા માટે મેહુલભાઈ સતત કાર્યરત છે. તેમની સેવા ને સલામ છે
આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ રણભૂમિનાં કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અભિનેતા અને ઉદ્ઘોષક શ્રી ચેતસભાઈ ઓઝાએ કર્યું હતું. અંતમાં આવા સુંદર કાર્યક્ર્મનું આયોજન કરવા બદલ ઉપસ્થિત સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાતથી સમગ્ર આયોજનને બિરદાવ્યૂ હતું.