નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ૧૭૪૧ લાભાર્થીઓએ સાધનો મેળવવા માટે ભારે હાડમારી વેઠવી પડી હતી. મેળો સુરખાઈ ગામે રાખ્યો હતો અને લાભાર્થીઓને સાધન સહાય માટે ૧૫ કિ.મી. દુર સોલધરા ગામે મોકલાયા હતા. વહીવટી તંત્રની અવ્યવસ્થાના કારણે લાભાર્થીઓમાં રોષ જોવા મળતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડયો હતો.
ચીખલી તાલુકાના ધોડિયા સમાજની વાડી, સુરખાઈ ખાતે નવસારી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લાના ૧૭૪૧ લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવાની હતી. પણ વહીવટી તંત્રની અણઆવડતના કારણે લાભાર્થીઓએ સાધન સહાય મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. સુરખાઈ ખાતે લાભાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતુ અને કેટલાક લાભાર્થીઓને સાધન સહાય કરવામાં આવી હતી. જ્યારે બાકીના લાભાર્થીઓને સાધન સહાય લેવા માટે છેક ૧૫ થી ૧૭ કિલોમીટર દૂર ચીખલી તાલુકાના સોલધરા ખાતે આવેલા મંડળીના ગોડાઉન ઉપર બોલાવાયા હતા, અને ત્યાંથી વિતરણ કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રની અવ્યવસ્થાને કારણે લાભાર્થીઓ સવારે ૭-૦૦ વાગે કાર્યક્રમ સ્થળે બોલાવી લેવાયા હતા અને સાધનો વિતરણ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ન કરાતા લાભાર્થીઓને મોડી સાંજ સુધી પણ સાધનો મળ્યા ન હતા. સોલધરા ખાતે લાભાર્થીઓ વરસતા વરસાદમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડયું હતું. જેના કારણે સ્વાભાવિક લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. ભારે અવ્યવસ્થાને કારણે લાભાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠતા પરિસ્થિતિ વણસે નહિં તે માટે તંત્રએ મોડી સાંજે પોલીસ બંદોબસ્ત મુકવાની પણ નોબત આવી હતી.
Author: Ashok kumar Jiyani
Co editor in chief