સુરતઃ શહેરમાં ૫૦ લાખથી વધુની કિંમતનો ૫૧૪.૦૩ ગ્રામ એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુંબઈનો ડ્રગ્સ માફિયા અનીસખાનને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈથી ઝડપી પાડયો હતો.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના મોબાઇલ સ્નેચિંગ ટીમને માહિતી મળી હતી કે શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર ડ્રગ્સ માફિયા અનિશખાન ઉર્ફ અનીશમામુ મુંબઈ ગોવન્ડીના શિવાજી નગરમાં સંતાઈને રહે છે અને તે ખૂબ જ સાતિર હોવાથી ઘણા સમયથી મુંબઈથી સુરત ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો વેપલો ચલાવે છે. જે મળેલ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ટીમ બનાવી ડ્રગ્સ માફિયાને પકડવા માટે મુંબઈના ગોવન્ડી ખાતે ધામા નાખ્યા હતા. પોલીસે ગોવન્ડીના ગીચ વિસ્તારોમાં સતત બે દિવસ મહારાષ્ટ્રના પાસિંગ વાળી ઓલા ટેક્સી ચલાવી આરોપી ઉપર વોચ રાખી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી કપડાનો વેપાર કરતો અનીશ ખાન ઉર્ફે મામુ અબ્દુલવાહિદ ખાન (ઉ.વ.૫૨ રહે. સંતનિરંકારી નગર શિવાજી નગર ગોવન્ડી મુંબઈ) ને ઝડપી પાડી સુરત ખાતે લવાયો હતો. આરોપી અનીશખાન શહેરમાં પેડલરો સાથે સંપર્ક રાખતો હતો. અને અનીશખાન ગોવન્ડી ખાતે બેઠાબેઠા તેમના પેડલરો મારફતે સુરત ખાતે લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. શહેરના ડીસીબીમાં રૂ.૨૦.૪૫ લાખ અને બીજા ગુનામાં રૂ.૨૫.૨૩ લાખ તથા પાલ પોલીસ સ્ટેશનમાં રૂ.૨.૮૭ લાખ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં રૂ.૩.૧૫ લાખનો મળી કુલ રૂ.૫૧,૦૧,૦૦૦ નો ૫૧૪.૦૩ ગ્રામ એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો સપ્લાય કરવાના ગુનામાં વોન્ટેડ હતો. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડીસીબીમાં અલગ-અલગ નોંધાયેલા ૦૨ એનડીપીએસના ગુના તથા પાલ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક-એક એનડીપીએસના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.
Author: Ashok kumar Jiyani
Co editor in chief