બારડોલીના કોર્પોરેટર તથા પૂર્વ કારોબારી અધ્યક્ષ દ્વારા રાજકીય સત્તાનો દુરૂપયોગ કરી સરકારી જમીન પોતાની માલિકીની બતાવી છેલ્લા સાત વર્ષથી ભાડાપટ્ટે આપી ભાડું ઉઘરાવવા બાબતે કરાયેલી ફરિયાદ સંદર્ભે તપાસ કરવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં ધામદોડ રોડની સામે બ્લોક નં.૩૫૦/૨/પૈકી વાળી સરકારી જમીન બારડોલીના કોર્પોરેટર નીમેશભાઈ શાહ તથા નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ પટેલ દ્વારા રાજકીય સત્તાનો દુરૂપયોગ કરી આ જમીન લારી-ગલ્લાવાળાઓને ભાડે આપી દર માસે રૂા.૭ હજારથી લઈને ૯ હજાર સુધીનું ભાડું વસુલ કરવા સહિત એક ગાળા દિઠ રૂા.૧૦ હજારની ડિપોઝીટ પણ ઉઘરાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭થી ઉઘરાવવામાં આવતા ભાડા અને ડિપોઝીટ પેટે અત્યાર સુધી રૂા.૧.૧૮ કરોડની ઉઘરાણી ખાણી-પીણીની લારીનો વ્યવસાય કરતા લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યા છે.આ બાબતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો તથા વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. અને જવાબદારો સામે ઉઘરાવવામાં આવેલું ભાડું વસુલી સરકારી જમીન ખુલ્લી કરાવી લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી.ઉપરોક્ત ફરિયાદ બાદ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય તપાસ તથા કાર્યવાહી કરી અને ગેરરીતિ થઈ હોય તો પુરાવા સહિતના અહેવાલ પ્રાદેશિક કિંમશનર નગરપાલિકાઓ સુરત મારફતે રજુ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief