ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં ઊંડાણમાંથી પ્રકૃતિનો એક નવો ખજાનો મળી આવ્યો છે. પ્રકૃતિ પ્રેમી ગ્રુપ ‘આપણું દક્ષિણ ગુજરાત’ દ્વારા એક નવી જાતની ક્રેન ફલાય શોધી કાઢવામાં આવી છે. આ ક્રેન ફલાય મચ્છર જેવી દેખાતી હોવા છતા તે મચ્છર નથી. પરંતુ પર્યાવરણ અને ઇકો સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી છે. ‘આપણુ દક્ષિણ ગુજરાત’ પ્રકૃતિ પ્રેમી ગ્રુપ દક્ષિણ ગુજરાતના પર્યાવરણ અને જૈવ વિવિધતાનું સંશોધન કરે છે. આ ગ્રુપના સભ્યો વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને પક્ષીઓનો અભ્યાસ કરે છે.અને તેના વિશે લોકોને જાગૃત કરે છે ત્યારે આ વિશે ગ્રુપના અમિતભાઇ રાણા જણાવે છે કે, ‘સાપુતારાની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરતી વખતે અમારું ધ્યાન આ વિશેષ પ્રકારના જંતુ પર ગયુ. આ જંતુ મચ્છર જેવું દેખાતું હોવા છતા તે કરડતું નથી અને મનુષ્યો માટે હાનિકારક પણ નથી. તેનાથી વિપરીત તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. ‘ક્રેન ફલાય’ એક લાંબી અને પાતળી પગવાળી માખી જેવું જંતુ છે. તે ટિપુલિડે ફેમિલીમાંથી આવે છે અને વિશ્વભરમાં તેની ૧૫,૦૦૦થી વધુ પ્રજાતિઓ છે. આ જંતુનો જીવનકાળ ખૂબ જ ટૂંકો હોય છે. અને તે મુખ્યત્વે ભીના અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. ક્રેન ફલાય પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે. તે ઘણા પ્રાણીઓ માટે ખોરાકનો સ્ત્રોત છે. આ ઉપરાંત, તે ક્ષીણ થતા કાર્બનિક પદાર્થોને ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.સાપુતારામાં આવી નવી જાતની ક્રેન ફલાય મળી આવવી એ સાબિત કરે છે કે સાપુતારાની જૈવ વિવિધતા કેટલી સમૃદ્ધ છે. આ વિસ્તારમાં હજુ પણ ઘણી બધી નવી જાતિઓ શોધવાની બાકી છે. ગિરિમથક સાપુતારા નાં પ્રાકૃતિક ખજાનામાંથી પર્યાવરણને ઉપયોગી એવી ક્રેન ફલાય મળી આવતા આવનાર સમયમાં ઈકો સિસ્ટમ જળવાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief