April 4, 2025 9:57 pm

સોમનાથ, વારાણસી અને ઉજ્જૈનથી પ્રસાદ મંગાવવા પોસ્ટ ઓફિસની ખાસ સુવિધા

સ્પીડ પોસ્ટ દ્વારા મહાશિવરાત્રીના દિવસે ઘરે બેઠાં મંગાવો શિવજીનો પ્રસાદ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર, અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અખબારી યાદીમાં જણાવ્યું છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય ટપાલ વિભાગ સાથે ભક્તોને તેમના ઘરે પ્રસાદ પહોંચાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત ₹ ૨૭૦ નો ઈ-મની ઓર્ડર મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત- 362268 ને મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મની ઓર્ડર પર “પ્રસાદ માટે બુકિંગ” લખેલું હોવું જોઈએ. ત્યારબાદ, શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનું ૪૦૦ ગ્રામનું પેકેટ મોકલશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ મગસના લાડુ, ૧૦૦ ગ્રામ તલની ચીક્કી અને ૧૦૦ ગ્રામ માવા ચીક્કી હશે.

શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ પણ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશભરના લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, ફક્ત ₹૨૫૧ નો ઈ-મની ઓર્ડર સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ, વારાણસી (પૂર્વ) ડિવિઝન- 221001 ના નામે મોકલવાનો રહેશે. ઈ-મની ઓર્ડર મળ્યા પછી, પોસ્ટલ વિભાગ દ્વારા પ્રસાદ તરત જ સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે મોકલવામાં આવશે.

કાશી વિશ્વનાથના પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહા મૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, ૧૦૮ દાણાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગતા ભોલે બાબાની છબી ધરાવતો સિક્કો, ભભૂતિ, રક્ષાસૂત્ર, રુદ્રાક્ષ મણકા, મેવા, સાકરનું પેકેટ વગેરેનો સમાવેશ થાય છે.

ઉજ્જૈનના પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ પણ પોસ્ટ દ્વારા મંગાવી શકાય છે. આ માટે, મેનેજેર, સ્પીડ પોસ્ટ સેન્ટર, ઉજ્જૈન ને ₹૨૫૧ નો ઈ-મની ઓર્ડર મોકલવાનો રહેશે અને બદલામાં ત્યાંથી સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ લાડુ, ભભૂતિ અને ભગવાન શ્રી મહા કાલેશ્વરજીની છબીનો સમાવેશ થાય છે. મહાશિવરાત્રી પર પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૨૫૦ મિલી ગંગાજળની બોટલ ફક્ત ૩૦ રૂપિયામાં મેળવી શકાય છે.

પોસ્ટ વિભાગે એવી પણ વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુઓને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઇલ નંબર પર SMS દ્વારા મળી રહે. આ માટે, ભક્તોએ ઈ-મની ઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઇલ નંબર લખવો ફરજિયાત રહેશે.

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें