ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના ડાકઘરોમાં દિકરીઓ માટે ખોલ્યા 4.67 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 711 ગામ બન્યા સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગામ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
નવરાત્રીનો તહેવાર સ્ત્રી શક્તિની આરાધનાને સમર્પિત છે. આ પ્રસંગે સમાજમાં કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. જો કન્યા સશક્ત થશે તો સમાજ પણ સશક્ત બનશે. આ સંદર્ભમાં, ડાક વિભાગે ‘સમૃદ્ધ સુકન્યા-સમૃદ્ધ સમાજ’ ની પહેલ હેઠળ નવરાત્રિ દરમિયાન ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ ના ખાતા ખોલવાની પહેલ કરી છે.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ કન્યાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવી સ્થિતિમાં, નવરાત્રી દરમિયાન દિકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલીને એક નવી પહેલ કરી શકાય છે. આ યોજના હેઠળ, 10 વર્ષ સુધીની દિકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં ફક્ત ₹250 ચૂકવીને ખાતું ખોલાવી શકાય છે. તેમાં ૮.૨% વ્યાજ છે, જે કોઈપણ નાની બચત યોજના કરતાં વધુ છે. આ ખાતું દિકરીઓના શિક્ષણ અને લગ્ન માટે વરદાન સમાન છે. આમાં, એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹ 250 અને વધુમાં વધુ ₹ 1.5 લાખ જમા કરાવી શકાય છે. આ યોજનામાં ખાતું ખોલાવ્યા પછી, ફક્ત 15 વર્ષ માટે રકમ જમા કરાવવાની જરૂર છે. દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે જમા કરાયેલી રકમના ૫૦ % ઉપાડી શકાય છે અને ખાતું ખોલ્યાની તારીખથી ૨૧ વર્ષ પૂર્ણ થયા પછી આખી રકમ ઉપાડી શકાય છે. હાલમાં વ્યાજ દર ૮.૨ ટકા છે અને જમા રકમ પર આવકવેરા મુક્તિની જોગવાઈ પણ છે.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં 4.67 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાત પરિમંડલમાં દિકરીઓના 15.72 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. દિકરીઓને આ યોજનાનો લાભ પહોંચાડવા માટે ગામડાઓમાં “ડાક ચોપાલ” અને વિવિધ શાળાઓમાં વિશેષ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, જેથી દરેક લાયકાત ધરાવતી દિકરીને આ યોજનાનો લાભ મળી શકે. ઉત્તર ગુજરાતના 711 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. આ ગામડાઓમાં, 10 વર્ષ સુધીની બધી પાત્ર કન્યાઓના સુકન્યા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. એટલું જ નહીં, જો આ ગામડાઓમાં કોઈ પણ ઘરમાં દિકરીનો જન્મ થાય છે, તો પોસ્ટમેન તરત જ સુકન્યા ખાતું ખોલાવવા માટેની કામગીરી હાથધરે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું માધ્યમ નથી પરંતુ તે દિકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. આ યોજનાના આર્થિક તેમજ સામાજિક પરિમાણો મહત્વપૂર્ણ છે. આમાં જમા કરાયેલી રકમ સંપૂર્ણપણે દિકરીઓ માટે હશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્ન માટે ઉપયોગી થશે. આ યોજના ભવિષ્યમાં દિકરીઓને સશક્ત બનાવીને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.
સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ માહિતી આપી કે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવવા માટે, બાળકીના જન્મ પ્રમાણપત્ર અને આધાર કાર્ડની નકલ, તેના માતા અથવા પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ અને બે ફોટોગ્રાફ્સ સાથે નજીકના પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકાય છે. આ ખાતામાં આવકવેરા કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની આવકવેરા મુક્તિની જોગવાઈ પણ છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન દિકરીઓનું વિશેષ મહત્વ હોય છે. આ અવસરે કન્યા પૂજન માટે દિકરીઓને આમંત્રિત કરી ભેટ આપવાની પરંપરા છે. નવરાત્રિ દરમ્યાન 10 વર્ષ સુધીની દિકરીઓ માટે “સુકન્યા સમૃદ્ધિ ખાતું” ખોલાવી, કન્યા પૂજન કરી શકાય છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
