આ બસ સ્ટેશનમાં હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે
આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત ખાતેથી સીધી શખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે. ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજીત રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસસ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. શંખેશ્વરનું નવીન બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ બસ સ્ટેશન ૪૪૬૦ ચો.મી. જમીન વિસ્તારમાં અંદાજીત કિંમત રૂ.૨.૫૭ કરોડ ખર્ચ નિર્માણ પામ્યું છે. આ બસસ્ટેશનમાં કુલ ૭ જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઈટીંગ એરીયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્સલ રૂમ સહિતની નવીન સુવિધાઓ સાથે સજ્જ છે.
આ પ્રસંગે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે શંખેશ્વરમાં દાદાના ચરણોમાં વંદન કરીને આર્શિવાદ મેળવી અહી એસ.ટી.બસનું લોકાપર્ણ કરતા આનંદ અનુભવી રહ્યો છું. શંખેશ્વર તીર્થ ખાતે દેશભરમાંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર દાદાની ભક્તિ માટે પધારતા હોય છે. જ્યારે હું પહેલી વાર દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો હતો ત્યારે ગામમાં આગેવાનોએ મને કહ્યું હતું કે અહી યાત્રીઓ માટે બસ સ્ટેશન બનાવી આપો. ત્યારે વચન આપેલું કે ઝડપથી અહી બસ સ્ટેશનના ખાર્તમુહૂર્ત માટે શંખેશ્વર આવીશ. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી શંખેશ્વર ખાતે માત્ર દોઢ વર્ષ પહેલાં ખાર્તમુહૂર્ત કર્યું. તે જ બસ સ્ટેશનનો આજે લોકાર્પણ કરવાનો લાભ પણ મળ્યો.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શંખેશ્વરનું આ બસ સ્ટેન્ડ હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત ખાતેથી સીધી શખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે. જેના લીધે યાત્રિકો સરકારી દરે શંખેશ્વર સુધી પહોંચી શકવામાં સરળતા રહેશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજયના નાગરિકોની વધુમાં વધુ સેવા કરી શકે તે માટે દાદાના ચરણોમાં દર્શન કરીને પ્રાર્થના કરી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા કલેકટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડાશ્રી વી.કે.નાયી, સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, એસ ટી વિભાગના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ, ગામના સરપંચશ્રી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
