નિર્દોષ લોકોને પોલીસની ઓળખ બતાવી પૈસા પડાવનારી ગેંગને ઇસનપુર પોલીસે દબોચ્યા
અમદાવાદ શહેરના પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીએ પગ પસારો કર્યો છે. જેમાં ખાસ કરીને અમદાવાદના પૂર્વના પટ્ટામાં રામોલ, વસ્ત્રાલ, બાપુનગર, શહેર કોટડા, નિકોલ, નારોલ અને ઈસનપુર જેવા વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. તેમ છતાં પોલીસ સબ સલામત હોવાના દાવા કરતી દેખાય છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડતા પોલીસ કમિશ્નર દ્વારા જરૂરી પગલા ભરી ગુનેગારોને બરાબરનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓના વરઘોડા તેમજ તેમના દ્વારા વસાવેલી ગેરકાયદેસર સંપત્તિઓ ઉપર દાદાનું બુલડોઝર પણ ચલાવવામાં આવ્યો હતો. તેમ છતાં પણ ગુનેગારોને જાણે પોલીસ કે કડક કાયદાઓનું કોઈ ડર જ રહ્યો નથી,તેમ અવાર નવાર મારામારી, લૂંટ, ઘરફોડ ચોરીઓ તેમજ અન્ય પ્રકારના ગુનાઓ બની રહ્યા છે. એવામાં હાલ ઇસનપુર પોલીસે નકલી પોલીસની આખે આખી ગેંગ ઝડપી પાડી છે.
બનાવ અંગે વધુ મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં નકલી પોલીસ ની ફરી એક વાર ધરપકડ થઈ છે. આ વખતના બનાવમાં ઇસનપુર પોલીસ દ્વારા નકલી પોલીસને પકડી પાડવામાં આવી છે.વધુ માહિતીના આધારે ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને નકલી પોલીસ ગેંગે ધમકી આપી હતી કે તું રંડીબાજી કરે છે. તારા વિરુદ્ધ ઘણી કંમ્પ્લેઇન છે. એટલે તારે આ બધું પતાવવું હોય તો અમને પૈસા આપવા પડશે. જેથી ફરિયાદી ધમકીઓ થી ડરી જઈ નકલી પોલીસના ચૂંગલમાં ફસાઈ ગયો હતો. અને ત્યારબાદ નકલી પોલીસના સવાંગમાં આવેલા ગઠિયાઓ નિર્દોષ વ્યક્તિ પાસેથી 28 હજાર રૂપિયા પડાવી રફફુ ચક્કર થઈ ગયા હતા.આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે આ ગુનામાં નકલી પોલીસ બની તોડ કરતા 3 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોણ છે આ આરોપીઓ?
અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં નકલી પોલીસ બની નિર્દોષ લોકો પાસેથી પૈસા પડાવતા આરોપીઓમાં એકનું નામ યાસીન ઉર્ફે પપયો અને બીજાનું મોહસીન શેખ છે. અને ત્રીજા આરોપીનું નામ અબરાર પઠાણ હોવાનું સામે આવ્યું છે. આરોપી મોહસીન શેખ અને અબરાર પઠાણ અગાઉ પણ નકલી પોલીસના ગુનામાં પકડાઈ ચુક્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર યાસીન પપયો અગાઉ પણ બાપુનગર, કાગડાપીઠ અને વેજલપુર સહીત સાત પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવવાના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાની માહિતી સામે આવી છે.
અહેવાલ : હાર્દિક પટેલ અમદાવાદ
