૭૩ ગામોના મુસાફરો અને ૩૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ્ટેશનનો લાભ મળશે
મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસ ટી વિભાગને મોટો ફાયદો થશે:-સાંસદશ્રી ભરતસિંહ ડાભી
પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજીત રૂ.૩.૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓ યુક્ત બસ સ્ટેશનનું આજરોજ પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાંસદશ્રીએ નવીન બસસ્ટેશનનું રીબીન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદશ્રી ભરતસિંહ ડાભી એ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવો રાજ્ય સરકારનો અભિગમ છે, મુસાફર જનતાને સારી સુવિધા યુક્ત બસો અને સુવિધા યુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. મુસાફરો અને એસ.ટી.બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે, ગ્રાહક ભગવાન છે, તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસ ટી વિભાગને મોટો ફાયદો થશે. નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, ધારાસભ્યશ્રી કિરીટભાઇ પટેલ, વિભાગીય નિયામક શ્રી એમ. ડી.શુક્લા, ડેપો મેનેજર શ્રી, એસ.ટી.વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવીન એસ.ટી.બસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ સુવિધાઓ
₹.૩.૧૩ કરોડના ખર્ચે બનેલ નવીન એસ.ટી. બસ સ્ટેશન પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા, વેઇટીંગ હોલ, ટી.સી/ ઇન્ફોર્મેશન ઓફિસ, વોટરરૂમ, પાર્સલ રૂમ, રેસ્ટ રૂમ, બેબી ફીડિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધાઓથી સજજ બનાવાયું છે. વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ પ્રકારના શૌચાલય, સ્લોપિંગ રેમ્પ, વ્હીલ ચેર, ટેક ટાઇલ ટાઇલ્સ, બ્રેઈલ લિપિમાં સાઈનેજીસ, ગ્રેબબાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
આસપાસના ૭૩ ગામોના મુસાફરો અને ૩૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ્ટેશનનો લાભ મળશે. મુસાફરોની સુવિધા માટે ૬૭ એકસપ્રેસ અને ૧૧૭ લોકલ ટ્રીપ મળી કુલ ૧૮૪ ટ્રીપ દ્વારા એસ.ટી.બસોની સુવિધા મળશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
