બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ મારા માટે રોલ મોડલ:બ્રિજેશ બારોટ
દેશભરમાં UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર કરાયું છે ત્યારે બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે 507માં રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. UPSC પરીક્ષામાં સફળતા મેળવતા તેમણે અને તેમના પરિવારે આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે આ વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવી, સાલ તથા માતાજીની છબી થકી સન્માન કરીને તેમના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો હતો. બ્રિજેશ કિશોરભાઈ બારોટે તેમની આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને પોતાના રોલ મેડલ ગણાવીને શ્રેય આપ્યો હતો.
UPSCમાં સફળતા મેળવનાર શ્રી બ્રિજેશે જણાવ્યું કે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ માટે જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલનું સતત માર્ગદર્શન મળ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના એક્સપર્ટ લેક્ચરથી ખૂબ જ ફાયદો થયો છે. તેમણે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલને પોતાના રોલ મોડલ ગણાવ્યા છે. નિરમા યુનિવર્સિટી, સ્પીપા અને જિલ્લા કલેકટર બનાસકાંઠા તરીકે શ્રી મિહિર પટેલનું માર્ગદર્શન અને અનુભવ થકી આજે સફળતા મળતા તેઓ ખુશી ની લાગણી અનુભવી હતી.
બ્રિજેશ બારોટે બાળ મંદિરથી ધોરણ 12 સુધી વિદ્યામંદિર, પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો. નિરમા યુનિવર્સિટી ખાતેથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમના પિતા કિશોરભાઈ બારોટ વિદ્યામંદિર પાલનપુર ખાતે હાયર સેકન્ડરી સ્કૂલમાં શીક્ષક તરીકે સેવા આપે છે.
રિપોર્ટર રાવળ અસ્મિતા બી.(બી.કે).
