પ્રગતિ માટે સાથે ચાલવાવાળા લોકો એટલે આપણું બનાસ :- ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી
બનાસ ડેરી ખાતે વિશ્વના પ્રથમ એમ્બ્રરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ભેંસના સંવર્ધનનું કામ હાથ ધરાયું:- અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આજરોજ બનાસ ડેરી શીત કેન્દ્ર રાધનપુર ખાતે “દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વધુ દૂધ ઉત્પાદન મેળવનાર રાધનપુર સાંતલપુર તાલુકાની બહેનોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ અકસ્માત વીમા યોજનાના લાભાર્થી ઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહિલાઓ પગભર અને આત્મ નિર્ભર બને એ હેતુથી બનાસ ડેરી અને જીસીએમએમએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પશુપાલનની સાથે સાથે ગૌ મૂત્ર પ્લાન્ટ, પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય જેવા વિવિધ વિષયો પર પોતાના અનુભવો જણાવ્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી એ આ પ્રસંગે રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે, આજના કાર્યક્રમનું સંચાલન અને પશુપાલન વ્યવસાયમાં સંકળાયેલી માતા બહેનોના અનુભવો જાણી ખુબ આનંદ થયો. મહિલાઓએ પાવર પ્રેઝન્ટેશન દ્વારા બનાસ ડેરીની યોજનાઓ અને તેના થકી લાભ મેળવનાર મહિલાઓની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરી સાબિત કર્યું કે બનાસની મહિલાઓ ક્યાંય પાછળ નથી. “સહકાર થી સમૃદ્ધિ” મેળવનાર મહિલાઓએ સમગ્ર વિશ્વમાં બનાસ ડરીને ખ્યાતિ આપી છે. પ્રગતિ માટે સાથે ચાલવાવાળા લોકો એટલે આ બનાસ. રોજનું દસ પંદર લીટર દૂધ આપતી ગાય ભેંસ તૈયાર કરવા ખૂબ મેહનત કરવી પડશે.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ તેમના બ્રાઝિલ પ્રવાસના પશુપાલન વ્યવસાયના અનુભવો જણાવી ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વમાં પ્રથમ વાર બનાસ ડેરી ખાતે એમ્બ્રરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ભેંસના સંવર્ધનનું કામ હાથ ધરાયું છે. જેના થકી આગામી સમયમાં વધુ સારું દૂધ આપતી નસ્લની ભેંસની બ્રીડ તૈયાર થશે જે આર્થિક પ્રગતિની નવી રાહ ચિંધશે. પશુપાલકોની આવક વધે એ માટે આગામી સમયમાં રાધનપુર ખાતે ગૌ મૂત્ર માંથી વેલ્યુએડિશન થાય એવું યુનિટ કાર્યરત કરવામાં આવશે.
વધુમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીના માધ્યમથી ચાલતી તબેલો કરવાની યોજના, સારી પાડી/ વાછરડીની યોજના, સોલાર યોજના, ઉદ્યોગ સાહસિકતા, ગર્ભ પ્રત્યારોપણ જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો. તેમજ ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. પશુપાલન અને ખેતી ક્ષેત્રે દુનિયાની શ્રેષ્ઠત્તમ ટેકનોલોજીને લાવીને સહકારથી સમૃદ્ધિ માટે સૌના સાથ સહકારની અપેક્ષા છે એમ કહી અધ્યક્ષ શ્રી સત્તા એ સેવા માટેનું માધ્યમ છે એવા ભાવ સાથે કામ કરું છું એમ જણાવી સૌનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલ બેન ઠાકોર, ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, એપીએમસી પાટણના પ્રમુખ શ્રી સ્નેહલ ભાઈ પટેલ, ડેરીના એમ.ડી. શ્રી એસ.આર.ચૌધરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને માર્કેટ યાર્ડના ડિરેક્ટર્સ, હોદ્દેદારશ્રીઓ, સાંતલપુર રાધનપુર તાલુકાના ગામોની ડેરીના મંત્રીશ્રીઓ, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
