Kachh | ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ

વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની દેશના નાગરિકોને મુલાકાત લેવા સંરક્ષણ મંત્રીશ્રીનો અનુરોધ

સંરક્ષણ મંત્રીશ્રીએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઈને કચ્છના ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ કરી અર્પણ

કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રીશ્રી

કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીશ્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.
સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આકાર પામેલું સ્મૃતિવન મ્યૂઝિયમ ભૂકંપના દિવંગતોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. સ્મૃતિવન મ્યૂઝિયમ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયા માટે ગૌરવ બન્યું છે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત જરૂરથી લેવા દરેક દેશવાસીઓને આગ્રહ કરતાં સંરક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ અને ગુજરાતના લોકોની પ્રબળ ઈચ્છા શક્તિના દર્શન સ્મૃતિવન મ્યૂઝિયમના માધ્યમથી થાય છે. સંરક્ષણ મંત્રીશ્રીએ દેશના તમામ નાગરિકોને ગૌરવ સમાન સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લેવા જાહેર અપીલ કરી હતી.
સ્મૃતિવન મ્યૂઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણ મંત્રીશ્રીએ મેળવ્યો હતો. કચ્છના લોકોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને સંરક્ષણ મંત્રીશ્રીએ બિરદાવ્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણોની ગાથાઓ વિશે જાણીને કચ્છીજનોના ધૈર્ય અને હિંમતની સંરક્ષણ મંત્રીશ્રીએ પ્રસંશા કરી હતી.
આ મુલાકાત દરમિયાન ભારતની વાયુસેનાના એર ચીફ માર્શલશ્રી અમર પ્રિત સિંહ, સંરક્ષણ મંત્રીશ્રીના અંગત સચિવશ્રી અમિત કિશોરે, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા, ભુજ શહેર મામલતદારશ્રી ડી.કે.રાજપાલ, સ્મૃતિવન મ્યૂઝિયમના ડીરેક્ટરશ્રી મનોજ પાંડે સહિત જિલ્લા વહીવટીતંત્ર, સંરક્ષણ દળની વિવિધ પાંખોના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें