વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને સ્કીલ આધારિત શિક્ષણનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત
૧૯ પીએચ.ડી. ડિગ્રી, ૩૭ ગોલ્ડ મેડલ અને ૩૬ સિલ્વર મેડલ મળી કુલ ૧૬૬૦ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી
રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં રવિવારે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારંભ ગર્વભેર ઉજવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની શૈક્ષણિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ એક જીવંત અને યાદગાર સમારોહમાં મંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે ૧૯ પીએચ.ડી. ડિગ્રી, ૩૭ ગોલ્ડ મેડલ અને ૩૬ સિલ્વર મેડલ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહ અંતર્ગત કુલ ૧૬૬૦ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને ડિગ્રીની શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૪૭ મા ભારત વિશ્વ ની ત્રીજી આર્થિક મહાસત્તા અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે ગોકુળ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓનું પણ એમાં મૂલ્યવાન યોગદાન હોય એવી એપક્ષા રાખું છું. વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં ગુજરાતની ૧૦૦ કંપનીઓનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં ગુજરાત વિકાસનું મોડેલ છે ત્યારે આપણા વિદ્યાર્થીઓ ક્યાંય પાછળ ન રહે એ પ્રકારની વ્યવસ્થા કરાઇ છે. વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને સ્કીલ આધારિત શિક્ષણનો લાભ લેવા મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઝાયડસ લાઇફસાયન્સિસ અને ઝાયડસ હોસ્પિટલ્સના ચેરમેન અને IIM-A ના પ્રમુખ અને પદ્મ ભૂષણ શ્રી પંકજભાઈ પટેલ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ( IAS), રજિસ્ટ્રાર ડૉ. હિંમતસિંહ રાજપૂત, સીઈઓ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી,પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) એમ.એસ. રાવ સહિત યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, હોદેદારો, અધિકારીશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોએ યુનિવર્સિટી કેમ્પસમાં નક્ષત્ર વાટિકાની મુલાકાત લઈ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
