પાટણ.
યોગ દિવસની ઉજવણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ ન થાય એ ખાસ જોવું:- કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ
યોગ દિવસની ઉજવણીમાં જાહેર જનતાને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતા કલેકટરશ્રી તુષાર ભટ્ટ
આગામી 21 જૂન, 2025 ના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીના આયોજન માટે આજરોજ કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, પાટણ ખાતે કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રી તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય વારસો છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દ્વારા આપણે વધુને વધુ લોકોને યોગ અપનાવવા અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરી શકીશું.”
કલેકટર શ્રી તુષાર ભટ્ટે ગ્રામ પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને કાર્યક્રમ દરમિયાન આચાર સંહિતાનો ભંગ ન થાય એ જોવા ખાસ તાકીદ કરી હતી. કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, પોલીસ દળ, અર્ધલશ્કરી દળો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાહેર જનતાને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી.
વધુમાં કલેકટરશ્રીએ કાર્યક્રમ સ્થળે પીવાના પાણી, શૌચાલય, તબીબી સહાય, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ અને સ્વચ્છતા જાળવણી સહિતની તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
પાટણ જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ પાટણ ખાતે ઉજવવામાં આવશે. જ્યારે પાટણ તાલુકા કક્ષાનો/ નગરપાલિકા કક્ષાનો યોગ કાર્યક્ર્મ એમ.એન. હાઇસ્કુલ પાટણ ખાતે, સિદ્ધપુર તાલુકા કક્ષા/ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એલ.એસ. હાઇસ્કુલ, સિધ્ધપુર ખાતે, ચાણસ્મા તાલુકા કક્ષા /નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ પી.પી પટેલ હાઇસ્કુલ ચાણસ્મા ખાતે, હારીજ તાલુકા કક્ષા /નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ કે.પી હાઇસ્કુલ હારીજ ખાતે, રાધનપુર તાલુકા કક્ષા /નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શેઠ કે.બી વકીલ હાઇસ્કુલ ખાતે, સરસ્વતી તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડાયનાસોર પાર્ક મામલતદાર કચેરી ચોરમાર પુરા ખાતે, સમી તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમી ખાતે, શંખેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શંખેશ્વર કન્યા પ્રાથમિક શાળા ખાતે અને સાંતલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાર્વજનિક કેળવણી મંડળ વારાહી ખાતે યોગ કાર્યક્રમ ઉજવવામાં આવશે. જ્યારે જિલ્લાના આઇકોનિક સ્થળ હેરિટેજ સ્થળ રાણીની વાવ પાટણ અને યાત્રાધામ બિંદુ સરોવર સિધ્ધપુર ખાતે પણ યોગ કાર્યક્રમ યોજવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલ, મામલતદારશ્રીઓ, નગરપાલિકના અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સામાજિક અને યોગ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
