બાબરા ખાતે આવેલી સરકારી કમળશી હાઈસ્કૂલમાં આજે ભવ્ય “પ્રવેશ ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં નવા પ્રવેશીત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હાર્દિક આવકાર આપવાનો અને તેમને શાળાના વાતાવરણથી પરિચિત કરાવવાનો હતો.
ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે,
શિક્ષણ એ વ્યક્તિના જીવનનો પાયો છે અને કમળશી હાઈસ્કૂલ જેવા સરકારી શાળાઓ દ્વારા મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વનું છે.
તેમણે વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા અને પોતાના સપના સાકાર કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પ્રવેશ ઉત્સવના ભાગરૂપે, શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું.
પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા શ્રી તળાવિયાએ જણાવ્યું હતું કે, વૃક્ષો વાવીને આપણે આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ નિર્માણ કરી શકીએ છીએ.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે,
કમળશી હાઈસ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે નવા વિદ્યાર્થીઓને શાળાના નિયમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ, નગર પાલીકાના પ્રમુખશ્રી તથા સભ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, કાર્યકર્તાઓ અને સ્થાનિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુચારુ રીતે કરવામાં આવ્યું હતું અને નવા પ્રવેશીત વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રવેશ ઉત્સવ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશતા પહેલા જ સકારાત્મક અને પ્રેરણાદાયક અનુભવ મળ્યો હતો.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
