રાજ્ય સરકાર દ્વારા બોર્ડર ડેવલોપમેન્ટ અને એસ્પિરેશનલ તાલુકા તરીકે ઓળખાતા પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકામાં શિક્ષણની વ્યથા અતીશય દયનિય બની ગઈ છે.
અહીંની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઉણપ એટલી ગંભીર છે કે કેટલાક ગામોમાં તો બાળકો જ બાળકોને ભણાવવાનું કામ કરી રહ્યા છે.
સરહદ પર વસેલા ગામોમાં શિક્ષકોની વિકટ અછત સર્જાઈ છે.
સાંતલપુર તાલુકાની 93 શાળાઓમાંથી 714 શિક્ષકોની જગ્યાઓ સામે 245 જગ્યાઓ ખાલી છે.
સૌથી ગંભીર સ્થિતિ એ છે કે તાલુકાની રવેચીનગર, ગડસઇ, દાત્રાણા, પીપરાળા, કિલાણા, રામેશ્વર નગર અને સાંતલપુર-૧ સહિતની શાળાઓમાં એક પણ કાયમી શિક્ષક હાજર નથી.
પરિણામે બાળકો શિક્ષક વગર શાળામાં માત્ર બેસવા જવા મજબૂર બનેલા છે, તો કેટલીક શાળાઓમાં મોટા ધોરણના વિદ્યાર્થીઓ નાનાં ધોરણના બાળકોને ભણાવી રહ્યાં છે.
એકજ શિક્ષક સંભાળે છે આખી શાળા
ફાંગળી, પાટણકા, ફુલપુરા, એવાલ, ધોકાવાડા, બામરોળી, રોઝુ સહિતની 13 શાળાઓ માત્ર એક જ કાયમી શિક્ષક પર આધારિત છે.
એકજ શિક્ષકે ધોરણ 1થી 5 સુધીના બાળકોના વર્ગો, રેકોર્ડ તેમજ અન્ય તમામ જવાબદારીઓ સંભાળવી પડતી હોવાથી શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડે છે.
20 ગામોમાં અડધાથી પણ ઓછા શિક્ષકો
સાંતલપુરના 20 જેટલા ગામોમાં 50% જેટલા શિક્ષકો પણ શાળાઓમાં હાજર નથી. આ કારણે કુમળા વયના બાળકો શિક્ષણથી વંચિત રહી ભવિષ્ય અજાણ તરફ ધકેલાઈ રહ્યું છે.
શિક્ષણ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા નહિ
શાળાઓમાં શિક્ષકોની નિમણૂક ક્યારે થશે, એ અંગે હાલ કોઈ ચોક્કસ ટાઈમલાઈન આપવામાં આવી નથી.
શિક્ષણ નિયામક મહેશ જોશી કહે છે કે “જગ્યા ભરાશે ત્યારે માહિતી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.
” જયારે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જવાબદારી રાજ્ય સરકારના પર ધકેલીને કહ્યું કે
“અમને કોઈ વિશેષ માહિતી નથી.”
જ્ઞાન સહાયકોના કરાર પણ રિન્યુ નહિ થયા
એક તરફ કાયમી શિક્ષકોની ઉણપ છે, બીજી તરફ જ્ઞાન સહાયકોના કરાર પણ રિન્યુ ન થતા શાળાઓમાં માનવ સંસાધનનો તીવ્ર અભાવ સર્જાયો છે.
આ કારણે ધોરણ 1 થી 8 સુધીના 20,000થી વધુ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત બન્યા છે.
સ્થાનિકોએ ઉઠાવ્યું પ્રશ્ન – બાળકોને ભણાવવું કે મજૂરી પર મોકલવા?
સ્થાનિક રહીશ હરેશભાઇ ઠક્કરે સરકાર સામે સવાલ કર્યો છે કે,
“અહીં માત્ર સરકારી શાળાઓ છે.
બાળકોને અભ્યાસ માટે બહાર મોકલવો શક્ય નથી, અને સરકાર અહીંના શિક્ષકોના મામલે તત્પર નથી.
તો શું બાળકોને ભણાવવાની આશા છોડી દેવી જોઈએ?”
ચોખવટથી સ્પષ્ટ છે કે એસ્પિરેશનલ તાલુકા અને બોર્ડર ડેવલોપમેન્ટના દાવાઓ વચ્ચે સરહદી સાંતલપુરમાં શિક્ષણનો આધાર તૂટી રહ્યો છે.
રાજ્ય સરકારે જો સમયસર પગલા નહિ ભરે, તો શાળાના આ ઓરડાઓ ભવિષ્ય નહીં પણ નિરાશા પેદા કરશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
