સરહદી અને સેવાળા ના વિસ્તાર સાતલપુર તાલુકાની આપ મુલાકાતે પધારી રહ્યા છો ત્યારે સહ વિવેક આપને આવકારિયે છીએ..
આપનું સ્વાગત કરીએ છીએ.
સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના વણ ઉકેલ્યા પ્રાણ પ્રશ્નો છે જેના નિરાકરણ માટે આ ખુલ્લા પત્ર દ્વારા આપને અવગત કરી રહ્યા છીએ. આમ તો આ જવાબદારી આપના પક્ષના આગેવાનોની છે પરંતુ આપને મળવા માટે તેઓ ને ખૂબ ઓછો સમય મળે છે.. અને એ સમય આપની સાથેની અનમોલ ક્ષણો કેમેરામાં કેદ કરવામાં જતો રહેતો હોય..આ વિસ્તારની સમસ્યાઓ આપ ને કહેવાનો તેઓને સમય રહેતો નથી…જેથી ના છૂટકે અમારે આ રજૂઆત આપને કરવી પડે છે.. રૂબરૂમાં આવેદનપત્ર અમોને ના આપવા દેવા માટે આપનું વહીવટ તંત્ર મક્કમ છે… માટે આ ખુલ્લા પત્ર દ્વારા અમારી વાત આપ સુધી પહોંચાડી રહ્યા છીએ.. આ પ્રશ્નોમાંથી 25% જેટલા પણ પ્રશ્નોનું નિરાકરણ થશે તો સરહદી વિસ્તારની આપની મુલાકાત સાર્થક ગણાશે..
પ્રશ્નો સમસ્યાઓ આ મુજબ છે..
(1) સાતલપુર તાલુકો માત્ર નામનો છે તમામ વહીવટી કચેરીઓ અહીંથી 40 km દૂર વારાહી ખાતે આવેલી છે.. વહીવટી સરળતા ખાતર સાતલપુરને નવો તાલુકો આપવાની માંગ આ વિસ્તારની વર્ષો જૂની છે જે માટે યોગ્ય કરવામાં આવે. હાલ પુરતું સાંતલપુર ખાતે નાયબ મામલતદાર વહીવટી અને
નાયબ તાલુકા વિકાસ અધિકારી ની નિમણૂક કરવામાં આવે જેથી સામાન્ય યોજનાઓ અને વિધાર્થીઓ દાખલાઓ માટે હેરાન ન થાય..
(2) પ્રાથમિક શાળાઓમાં તેમજ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટશે જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડે છે. 245 શિક્ષકોની ઘટ છે અનેક ધોરણો શિક્ષકો વગર ખાલી પડ્યા છે. એવી જ હાલત – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની છે. શિક્ષકોની નિમણૂક વહેલી તકે કરવામાં આવે પાઠ્યપુસ્તકો સમયસર શાળાઓમાં પહોંચાડવામાં આવે એવી રજૂઆત છે.. ઔધોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ માં પણ પૂરતા સંસાધનો ની વ્યવસ્થા કરવામાં આવે સાથે પૂરતો ટેકનીકલ સ્ટાફ પણ ભરવામાં આવે. જે બાબતે યોગ્ય કરશો
(૩) સાતલપુર વિસ્તારના દવાખાનાઓમાં ડોકટર સ્ટાફ નર્સ સ્ટાફ બ્રધર્સ ટેકનિકલ સ્ટાફ વગેરેની ઘટ છે.. સાથે સાથે જીવન જરૂરિયાત દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ નથી.. અહીંથી પ્રાઇવેટ હોસ્પિટલો દવાખાનાઓ પણ 50 કિલોમીટર દૂર છે જેથી સરકારી હોસ્પિટલો વાખાનાઓમાં ઇમરજન્સી વ્યવસ્થાઓ કરવી ખૂબ આવશ્યક છે.. જે માટે યોગ્ય કરવા વિનંતી છે
(4) ખેડૂતોની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ વારંવાર તૂટે છે જેના સમાચાર આપને માધ્યમો દ્વારા મળતા હશે. નર્મદા કેનાલમાં થતા ભ્રષ્ટાચાર બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત છે.
(5) નર્મદા યોજનાની જોગવાઈઓ મુજબ ખેડૂતોના ખેતર સુધી 2012 માં પાણી પહોંચવાડવાનું હતું.. જે આજની તારીખે પણ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચ્યું નથી ખેડૂતો પોતાના સ્વખર્ચે લાખોનો ખર્ચ કરી પાણી મેળવી રહ્યા છે. માઇનોર કેનાલો સબ કેનાલો ધોરીયાઓ યુ જીપી પાઇપલાઇનનો વહેલાસર કાર્યરત કરવામાં આવે….
(6) નર્મદા કમાન્ડ એરિયામાં આ વિસ્તારના 12 થી 15 ગામો રહી ગયેલ જેનો સમાવેશ કરવામાં આવેલ પરંતુ એ કામ વહેલી તકે ચાલુ થાય આ વિસ્તારના ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કાર્યવાહી કરવા વિનંતી છે. (કોલેજ મંજુર થયા ને 12 વર્ષ જેવો લાંબો સમય થયો ત્યારે હવે બિલ્ડિંગનું ખાતમુરત થઈ રહ્યું છે એવું ના થાય એ જોવા વિનંતી)
(7) સાતલપુર તાલુકા પીવા ના પાણી માટે લોકો ખુબ તકલીફ ભોગવે છે હાલ જે પાણી આપવામાં આવે છે તે મોટા ભાગે નર્મદા કેનાલ માંથી સીધું આપવા માં આવે છે જેના કારણે અનેક પાણી જન્ય રોગો નો ભોગ લોકો બને છે. જેથી ચાર પાંચ ગામ ના સમૂહ માં જળ શુદ્ધિકરણ પ્લાન્ટો નાખીને પાણી શુદ્ધ કરીને આપવામાં આવે તેવી વિનંતી છે સાથે ઉનાળામાં કાયમી માટે આ વિસ્તારમાં
ખાસ કરીને અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની ખૂબ તકલીફો હોય છે જેનું કાયમી માટે નિરાકરણ આવે તે માટે કાર્યવાહી કરવા વિનંતી છે.
(8) સાતલપુર તાલુકાનો એકમાત્ર ઉદ્યોગ એટલે મીઠા ઉધોગ મીઠા ની ખેતી કરતા નાના અગરિયાઓને દરેક સિઝનમાં અભ્યારણ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે જેથી તેઓ રણમાં મીઠું પકાવી શકતા નથી બીજી તરફ મોટા ઉદ્યોગો મોટા મીઠાના બિઝનેસમેનો અને મીઠાના કારખાનાઓ અભ્યારણ બાજુમાં જ ધમષમે છે જેનું કોઈ નામ પણ લેતું નથી…. માટે નાના અગરિયાઓને વહીવટી તંત્ર દ્વારા મીઠું પકવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે તે ખૂબ જરૂરી છે..
(9) ગુજરાતનો એકમાત્ર એવો તાલુકો છે સાતલપુર કે જેને વહીવટી કામ માટે તાલુકા ની કચેરીઓમાં જવા માટે ટોલટેક્સ
આપવો પડતો હોય… વારાહી ની કચેરીઓ પહેલા 500 મીટર રહેલો ટોલ સાતલપુર તાલુકાના લોકો માટે નિશુલ્ક કરવામાં આવે તેવી વિનંતી છે. અથવા સર્વિસ રોડ ની વ્યવસ્થા નેશનલ હાઇવે દ્વારા કરવામાં આવે..
(10) આડેસર થી રાધનપુર સુધીનો નેશનલ હાઇવે ખસ્તા હાલ થઈ ગયેલ છે. મોટા ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો તો થાય છે જેના કારણે અનેક મૃત્યુ પણ થયા છે.. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે..
(11) માનનીય વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ ભારતમાળા” નેશનલ હાઈવે માં NHAI ના ભ્રષ્ટાચાર ના કારણે સાતલપુર થી થરાદ તરફ 3ડકિમી નો હાઇવે બિલકુલ તૂટી ગયેલ છે ડામરનું પણ નામ નિશાન નથી આ બાબતે CDS ઇન્ફ્રા સામે તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે. સીડીએસ ઇન્ફ્રા કંપની એ આજુબાજુના ગામોના તળાવો મા ઊંડું ખોદકામ કરી મીઠા પાણીના તળાવો ખારા સરોવર બનાવી દીધેલ છે. જે બાબતે તપાસ કરી યોગ્ય કરવા વિનંતી.
(12) સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન સ્ટેટ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડ રિફ્રેશ કરવામાં આવે. ગુણવત્તા યુક્ત કામ થાય તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે
(13) સાતલપુર ખાતે યુ જી વી સી એલ ની પેટા કચેરી શરૂ કરવામાં આવે જેથી લાઈટ તેમજ વીજળીકરણ લગતા નાના મોટા કામો કરવામાં સરળતા રહે..
(14) સાતલપુર તાલુકો એ બોર્ડર નો તાલુકો છે જેના અનેક ગામો સરહદ પર આવેલા છે જે ગામોના વિકાસ માટે કેન્દ્ર સરકારની બીએડીપી યોજના કાર્યરત હતી પરંતુ કેટલાક સમયથી એ યોજના આપની સરકારે બંધ કરી દીધેલ છે જે પુનઃ કાર્યરત કરવામાં આવે જેથી આ વિસ્તારના ગામોનો યોગ્ય વિકાસ થઈ શકે સાતલપુરમાં હાલમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર.. જોવા મળી રહ્યું છે તે એ જ યોજના ની દેન છે. જે આપની જાણ સારું.
(15) આઝાદી મળ્યા ના અમૃત મહોત્સવ પછી પણ સાતલપુર તાલુકાના 95% ગામોમાં આજે પણ ગુજરાત સ્ટેટ કોર્પોરેશન ની કોઈ પણ એસ.ટી.બસ ની વ્યવસ્થા ગામોમાં નથી.લોકો ખાનગી વાહનોથી મુસાફરી કરે છે ખાસ કરીને બાજુના સેન્ટરમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ ખૂબ મુશ્કેલી અનુભવે છે. આ બાબતે પણ યોગ્ય કરશો..
(16) એશિયા નો સહુ થી મોટો સોલારપાર્ક સાંતલપુર તાલુકા માં આવેલો છે જેમાં અનેક પ્રતિષ્ઠિત કંપની ઓ આવેલ છે જે પોતાને ભરવામાં આવતો CSR આ તાલુકા ના વિકાસ માં વાપરવા ને બદલે પોતાના વિસ્તાર માં પોતાની NGO માં વાપરે છે જે નિયમ વિરુદ્ધ છે જે બાબતે યોગ્ય કરશો…
(17) દરેક શિયાળુ સીઝન માં ખેડુતો ને ખાતર માટે ખુબ મુશ્કેલી ભોગવવી પડે છે. યુરિયા અને D.A.P.ની કાયમી તંગી રહે છે જે માટે કાયમી નિરાકરણ લાવવા વિનંતી છે
(18) વર્ષો પહેલા સાંતલપુર તાલુકામાં મંજુર થયેલ GIDC આજ દિન સુધી કાર્યરત થયેલ નથી એ બાબત ની જમીન સંપાદન ની પણ કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ નથી એ બાબતે યોગ્ય કરશો..
(19) સાંતલપુર તાલુકા ની મુખ્ય ત્રણ ગૌશાળા ભીડભંજન વારાહી, વિદેશ્વર ગૌશાળા સાંતલપુર, કોરડા ગૌશાળા ને ખાસ કિસ્સા માં સબસિડી સિવાય ની વધારા ની સરકારી સહાય આપવા માં આવે
(20) આ વિસ્તારના પૌરાણિક ઐતિહાસિક મંદિર, આલુવાસ ને પવિત્ર યાત્રાધામ તીર્થ તેમજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે. એવી રજુઆત છે
(21) સાતલપુર એ નેશનલ હાઇવે પરનું આજુબાજુના ગામોનું વેપારી મથક તેમજમોટું સેન્ટર હોવા છતાં બસ સ્ટેન્ડ કોઈ વ્યવસ્થા નથી. બસ સ્ટેન્ડ માટે પૂરતી જમીન ગામની નજીક મળી શકે તેમ છે વહેલી તકે બસ સ્ટેન્ડ માટેની જગ્યા ફાળવી સાતલપુરને બસ સ્ટેન્ડની માંગણી પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી છે…
(22) વેપારી મથક તેમજ આર્થિક સેન્ટર હોવા છતાં સાતલપુરમાં રાષ્ટ્રીય કૃત બેંકની કોઈ બ્રાન્ચ નથી તેમ જ ખાનગી બેંકો ની કોઈ બ્રાન્ચ ન હોવાના કારણે સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવામાં લોકોને ખૂબ મુશ્કેલી પડે છે જેથી એકાદ બે બેંકો અહીં પોતાની બ્રાન્ચ શરૂ કરે તે માટે આપની કક્ષાએથી યોગ્ય કરવા વિનંતી છે…
(23) સાતલપુર તાલુકામાં મહિલાઓ માટે આત્મનિર્ભર બનવા માટેની કોઈ યોજના સરકારે શરૂ કરેલ નથી સાતલપુર વિસ્તાર નું ભરત કામ, ટ્રેડિશનલ ડ્રેસ સમગ્ર વિશ્વમાં વખણાય છે અહીંની મહિલાઓ સેવા સંસ્થાના માધ્યમથી વિદેશોમાં અમેરિકા યુરોપજેવા દેશો માં પણ ભરત ગુંથણના ડ્રેસો ના વેપાર અર્થે પ્રવાસ કરેલા છે. જેથી ગુજરાત સરકારનું મહિલા આર્થિક વિકાસ નિગમ આ બાબતે સાતલપુર તાલુકા માં વર્ગો શરૂ કરે તો મહિલાઓને ખૂબ મોટો પગ ભર થવા માટે આર્થિક ફાયદો થઈ શકે તેમ છે. જેથી આ બાબતે યોગ્ય કરશો.
(24) સાંતલપુર તાલુકો જિલ્લા માં સહુ થી વધુ પશુધન ધરાવતો તાલુકો છે.. બનાસ ડેરી માં પણ દુષ ઉત્પાદન માં મોખરે હોય છે તેમ છતાં પશુ દવાખાના ની કોઈ વ્યવસ્થા નથી…
તાલુકા કક્ષાનું પશુ દવાખાનુ તેમ જ એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવે તેવી આગ્રહભરી રજુઆત છે.
ઉપરોક્ત રજૂઆતો અમારા વિસ્તારના પ્રાણ પ્રશ્નો હોય આપ અંગત રસ લઈ લાવશો એવી અપેક્ષા..
ફરી એક વખત ચોરાડ ની પવિત્ર અને પાવનભૂમિ પર આપનું હાર્દિક સ્વાગત છે..
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
