દેશી ગાયની નસલ સુધારણા માટે સેકસ-સૉર્ટેડ સિમન ટેકનોલોજીનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે પાટણમાં સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન અને ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ (રામનગર)ની મુલાકાત લીધી હતી. દેશી ગાયની નસલ સુધારણા માટે સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોવાઇન સીમેન સેક્સિન્ગ ઈન્સ્ટીટયુટમાં તજજ્ઞો સાથે ફ્રોઝન સિમેન પ્રોડકશન અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.
ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડુત કલ્યાણ વિભાગના ઉપક્ર્મે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન અને ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ પાટણ ખાતે કાર્યરત છે. આ બાયોસિક્યુરિટી ઝોનમાં પ્રયોગશાળા, બોવાઇન સીમેન સેક્સિન્ગ ઇન્સ્ટીટયુટ, 192 બુલની ક્ષમતાના 8 શેડ, સિમેન કલેકશન શેડ તથા અન્ય સુવિધાઓ આવેલી છે. આ બાયોસિક્યુરિટી ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત ચુસ્ત જૈવ સલામતીને લગતા તમામ પગલાનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રમાં ઉચ્ચ ઓલાદના ઉત્તમ ગુણવતા ધરાવતા સાંઢ/પાડાના થીજવેલ વીર્યના કૃત્રિમ બિજદાન માટેના ડોઝનું ઉત્પાદન કરતી, સમગ્ર રાજયમાં પશુપાલકોના દુધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાન સારૂ સિમેન ડોઝ વિતરણ કરતી સમગ્ર ગુજરાત રાજયની એકમાત્ર સંસ્થા વિશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિસ્તારથી માહિતી મેળવી હતી. રાજ્યપાલશ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતાં.
આ સંસ્થાને ભારત સરકારના સેન્ટ્રલ મોનિટરીંગ યુનિટ દ્વારા સ્થાપનાથી લઇ અત્યાર સુધી સતત “A” ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં આધુનિક સંશોધનોને અંતે પ્રસ્થાપિત થયેલ લિંગ નિર્ધારિત સીમેન ડોઝ ઉત્પાદનની કામગીરી પણ આ સંસ્થા ખાતે જુન – 2021થી શરૂ કરવામાં આવેલી છે. જેના દ્વારા ગાય-ભેસમાં કૃત્રિમ બીજદાન થકી 90% થી પણ વધારે પ્રમાણમાં વાછરડી કે પાડી મેળવી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ ખેડુતોના લાભમાં કરી શકાય તે માટે તાજેતરમાં સરકાર હસ્તકના કૃત્રિમ બિજદાન કેન્દ્ર ખાતેથી પશુપાલકોને કૃત્રિમ બિજદાન માટે માત્ર રૂ. ૫૦ પ્રતિ ડોઝના દરે લિંગ નીર્ધારીત સિમેન ડોઝ (Sexed Sorted Semen Dose)થી સેવા પુરી પાડવામાં આવે છે. રાજ્યપાલ શ્રીએ વધુને વધુ પશુપાલકો સેક્સ શોર્ટેડ સિમેન યોજનાનો લાભ લેતા થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી, ઇ.ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી વદનસિંહ બોડાણા, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. રાકેશ પટેલ, સહાયક નિયામક ડૉ. પ્રદીપ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડૉ. હસમુખ જોશી અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
