રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જગાણા ખાતેથી જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો
રસ્સા ખેંચ, વૉલીબૉલ, દોરડા કૂદ અને સંગીત ખુરશી સ્પર્ધાઓનું કરાયું આયોજન
રમત ગમત ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરનાર બનાસકાંઠાના ખેલાડીઓનું કરાયું સન્માન
“હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન, ખેલે ભી ઔર ખીલે ભી” થીમ આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રી – દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસનો પ્રારંભ કરાયો છે. આજરોજ રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જગાણા એસ.કે.મહેતા હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફિટ ઈન્ડિયા અંતર્ગત પ્રતિજ્ઞા સહિત રમત ગમત સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમના સ્થળે સાંસદશ્રી અને મહાનુભાવોના હસ્તે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રમત ગમત ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે યુવાનોનો ફાળો મહત્વનો બની રહેશે. ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત દેશના યુવાનો સશક્ત હશે તો દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી શકાશે. શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય ખોરાક સાથે નિયમિત કસરત કરવી જરૂરી છે. આ બાબતે યુવાનોમાં જાગૃતિ કેળવવાની જરૂર છે. પોતાની શક્તિનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તે જરૂરી છે.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના વિવિધ રમતવીરોને સન્માનિત કરાયા હતા જેમાં ફુટબોલ ખેલાડી રાધિકા પટેલ તથા રક્ષા ચૌધરી, બોક્સિંગ ખેલાડી વેદ પટેલ અને કુસ્તી ખેલાડી યુવરાજસિંહ ઠાકોરનું સન્માન કરાયું હતું. આ ખેલાડીઓએ દેશ તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું હતું.
બનાસકાંઠામાં તારીખ ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે જેમાં જિલ્લા કક્ષાના આજના કાર્યક્રમમાં રસ્સા ખેંચ, વૉલીબૉલ, દોરડા કૂદ અને સંગીત ખુરશી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આજથી જિલ્લામાં ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનનો પણ પ્રારંભ થયો છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૨૯ ઓગસ્ટે મહાન હોકી ખેલાડી શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે ભારતના સમૃદ્ધ રમતગમત વારસા અને વૈશ્વિક પ્લેટફોર્મ પર રાષ્ટ્રને ગૌરવ અપાવનારા આપણા ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી સહિતના વિવિધ અગ્રણીઓ, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર બનાસકાંઠા
