રાધનપુર શહેરની નગરપાલિકાના વોર્ડ-૧માં લોકો લાંબા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
વોર્ડના કાઉન્સિલર જયા ઠાકોરે આજે લઘુમતી સેલના પ્રમુખ શેરખાન બલોચ, ઠાકોર સમાજના ઉપપ્રમુખ શંકરજી મોતીજી તેમજ કોંગ્રેસના અનેક કાર્યકરો સાથે મુલાકાત કરી અને સ્થાનિક રહેવાસીઓની સમસ્યાઓ અંગે નગરપાલિકા તંત્રને માહિતગાર કર્યા હતા.
આ મુલાકાત સમયે નગરપાલિકાના સાફસફાઈ કર્મચારી તેમજ એસ.આઈ. પણ ઉપસ્થિત રહ્યા હતા.
જયા ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યું છે.
વોર્ડ-૧માં ઘણા સમયથી પીવાનું પાણી નિયમિત પુરું પાડવામાં આવતું નથી.
ગટરની યોગ્ય રીતે સફાઈ ન થતા આસપાસ ગંદકી ફેલાઈ રહી છે.
નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો આરોગ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા મહિલાઓ અને યુવતીઓમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
અંધારામાં પસાર થવામાં અસુરક્ષા અનુભવાય છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની શક્યતા વધતી જાય છે.
જયા ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો નગરપાલિકા તંત્ર તાત્કાલિક અસરથી સમસ્યાઓનું નિવારણ નહીં કરે તો નગરપાલિકા કાર્યાલયને તાળા મારી દેવાશે.
તેમણે તંત્રને આ પણ યાદ અપાવ્યું કે પ્રજા જે મ્યુનિસિપલ ટેક્સ, પાણી-વેરો, લાઈટ બિલ અને અન્ય રીતે નગરપાલિકામાં ફાળો આપે છે, તેના બદલામાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો નગરપાલિકાનો ફરજિયાત કર્તવ્ય છે.
છતાં તંત્ર ફક્ત પોતાના હિત માટે જ કાર્યરત દેખાઈ રહ્યું છે.
જયા ઠાકોરે ખાસ માગણી કરી કે વોર્ડ-૧માં સાફસફાઈ માટે દવાનો છંટકાવ નિયમિત કરવામાં આવે, પીવાના પાણીનો પુરવઠો રેગ્યુલર કરવામાં આવે અને સ્ટ્રીટ લાઈટોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે.
સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી.
નાગરિકોના રોજિંદા જીવન પર તેની સીધી અસર થઈ રહી છે.
રાધનપુર નગરપાલિકા સામે લોકો એ આક્ષેપો કર્યા છે અને હવે તંત્ર શું જવાબ આપે છે અને આગામી દિવસોમાં કઈ રીતે કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
