ખેલ મહાકુંભ ૨૦૨૫ અને સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ : આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રાંરભ
પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન તથા સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ જિલ્લા રમત ગમત સંકુલ, પાટણ ખાતે યોજાયો હતો. ખેલ રત્ન મેનેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન તથા સાંસદ ખેલ મહોત્સવ પ્રસંગે પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે કે છેવાડાના ગામડાઓમાં રહેલ પ્રતિભા બહાર આવી દેશ અને દુનિયામાં રમતગમત ક્ષેત્રે તક મળે તે માટે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે. ગામડાં અને શહેરોના યુવાનોમાં અદભુત પ્રતિભા છુપાયેલી છે. આ ખેલ મહોત્સવ તેમને એક મંચ પૂરું પાડશે ઉપરાંત રમતગમત દ્વારા શિસ્ત, આત્મવિશ્વાસ તથા રાષ્ટ્રીય એકતાનું સંદેશનો પર્યાય બનશે તેવો મને વિશ્વાસ છે.
ખેલ મહોત્સવમાં ક્રિકેટ, ખુસ્તી, જુડો, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્કેટિંગ તથા એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મહોત્સવમાં દરેક ઉંમરના ખેલાડીઓને ભાગ લેવાની તક મળશે. ભાગ લેવા ઇચ્છુક રમતવીરોએ પોતાં રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટ થી 20 સપ્ટેમ્બર 2025 સુધી કરાવી શકશે. ખેલ મહોત્સવ 21 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર 2025 યોજાશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, સ્થાનિક આગેવાનો તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
