૬ કાર્યક્ષમતા સૂચકાંકોમાં પૂર્તિ હાંસલ કરી એસ્પિરેશનલ બ્લોક તરીકે
પસંદગી પામનાર રાપર તથા લખપતના કર્મયોગીઓનું સન્માન કરાયું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ દેશના અલ્પવિકસિત ૫૦૦ તાલુકામાંથી નક્કી કરાયેલી કાર્યક્ષમતા સૂચકાંકોમાં ૧૦૦ ટકા પૂર્તિ હાંસલ કરનાર એસ્પિરેશનલ બ્લોક તરીકે કચ્છના રાપર તથા લખપત તાલુકાની પસંદગી કરાઇ છે ત્યારે આજરોજ ભુજ હાટ ખાતે “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ” કાર્યક્રમ હેઠળ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાપર અને લખપત તાલુકાના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ દેશના અલ્પવિકસિત ૫૦૦ તાલુકામાં ઝડપી અને અસરકારક પરિવર્તન લાવવાનો હેતુ ધરાવે છે. જુલાઇ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનએ આકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સ માટે ૬ મહત્વપૂર્ણ સૂચકાંકોમાં પૂર્તિ હાંસલ કરવા માટે શરૂ કરાયેલી ઐતિહાસિક પહેલ હતી. જેમાં રાપર અને લખપત બ્લોકે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત ૬ મહત્વપૂર્ણ કાર્યક્ષમતા સૂચકાંકોમાં ૧૦૦ ટકા પૂર્તિ હાંસલ કરી છે. જે અંતર્ગત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને “સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાને ૨ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. તેમાં કચ્છ કલેક્ટરશ્રીને આનંદ પટેલને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજરોજ ભુજ ખાતે જિલ્લાકક્ષાનો સન્માન સમારોહ યોજાયો હતો.
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત આયોજિત ભુજ હાટ ખાતેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમમાં કચ્છના પસંદ કરાયેલા રાપર અને લખપત તાલુકાના આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઇસીડીએસ, ગ્રામસેવક, ડીઆરડીએ સહિતના વિવિધ વિભાગના કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતુ. રાપર તાલુકા ટીમ વતી તાલુકા વિકાસ અધિકારીશ્રી ખોડુભા વાઘેલા તથા લખપત તાલુકા ટીમ વતી તાલુકા વિકાસ અધિકારીશ્રી લક્ષ્મીબેન ઠાકોરનું ગોલ્ડ મેડલ આપી પદાધિકારીશ્રીઓના હસ્તે બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન થકી ભૂકંપમાંથી બેઠું થયેલું કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે, ખાસ કરીને કચ્છની ઓળખ સમાન હેન્ડીક્રાફ્ટને એક નવી ઓળખ અને માર્કેટીંગ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે. છેવાડાના લોકોને પણ રોજગાર મળી રહે તે વડાપ્રધાનશ્રીની નેમ સાર્થક થઇ છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને હંમેશા કચ્છની ચિંતા કરી છે, અહીંની હસ્તકલાને પ્રોત્સાહન આપતા આજે મહિલાઓ ઘેર બેઠા પોતાની હસ્તકલાથી રોજગાર મેળવી રહી છે, આકાંક્ષા હાટ(વોકલ ફોર લોકલની પહેલ)ના કારણે કારીગરોને વેચાણનું પ્લેટફોર્મ મળતા તેઓનો આત્મવિશ્વાસ વધ્યો છે.
આ પ્રસંગે હાથશાળ, રાખી મેળાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓએ આકાંક્ષા હાટ હેઠળ ભાગ લેનાર કારીગરોના સ્ટોલની મુલાકાત લઇને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, શ્રી ત્રિકમભાઇ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, તાલીમી સનદી અધિકારી સુશ્રી એમ.ધારિણી, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ સહિતના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, હસ્તકલાના કારીગરો હાજર રહ્યા હતા.
અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
