પૂજા અને આરતી બાદ પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો,
જેમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ઉમંગ અને આનંદનો માહોલ છવાયો હતો.
જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના પ્રાચીન રામજી મંદિરે આજરોજ ગોકુલ આશ્ઠમી – જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગામજનો સહિત આસપાસના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન અવસરે રામજી મંદિરમાં પૂજારી સાધુ કાશીરામ બાપુની આગેવાનીમાં ધાર્મિકવિધિઓ યોજાઈ.
પૂજા, આરતી, થાળ તથા ભજન-કીર્તન વચ્ચે “જય કનૈયાલાલ કી” ના ગુંજતા નાદે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.
મંદિર પરિસર ફૂલમાળાઓ અને ઝગમગતા શણગારોથી ગોકુલધામ સમાન દેખાતું હતું.
રાત્રે બાર વાગ્યે શ્રીકૃષ્ણ જન્મની ઘડીએ ઘંટ-ઘડિયાળના ઘોંઘાટ, શંખના નાદ અને તાળીઓના ગડગડાટ વચ્ચે જન્મોત્સવની ઘોષણા થતાં જ ભક્તોમાં અતિશય આનંદની લહેર દોડી ગઈ.
નંદઘરના લાડલાના જન્મદ્રશ્યોને માણવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.
ઉજવણીમાં ખાસ આકર્ષણ મટકી ફોડ કાર્યક્રમ રહ્યું. યુવક મંડળોએ ઉત્સાહભેર ટોળીઓ બનાવી મટકી ફોડમાં ભાગ લીધો.
માખનચોરી, દહીંહાંડી અને ગોપાળલાલની બાળલીલાની ઝાંખીએ ભક્તોને ગદગદિત કરી દીધા.
ગામના નાનાં બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો સુધી સૌએ આ ઉત્સવમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો.
હાથી-ઘોડા-પાલખીના શોભાયાત્રા જેવા દ્રશ્યો અને ભજન-કીર્તનના મધુર સ્વરો વચ્ચે કલ્યાણપુરા રામજી મંદિર આખું ભક્તિ અને ઉત્સવના રંગોથી રંગાઈ ગયું હતું.
જન્માષ્ટમીના આ પાવન અવસર પર ભક્તોએ શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાની ભાવનાથી પ્રેરાઈ શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
