રાધનપુર તાલુકાની આંગણવાડીમાં બાળિકાઓના જન્મદિવસની ઉજવણી
આરોગ્ય–પોષણ–શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા
રાધનપુર તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં આજે બાળિકાઓના જન્મદિવસની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસભેર યોજાઈ હતી. નાનકડા બાળકોનો જન્મદિવસ કેક કાપીને અને શુભેચ્છા પાઠવીને મનાવવામાં આવ્યો હતો. સાથે જ માતા–પિતાને આરોગ્ય, પોષણ અને પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમ દરમિયાન માતા–પિતાને પૂરક આહાર, પોષણ, રસીકરણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાના બાળકો રમતાં રમતાં શીખી શકે તે માટે TLM (Teaching Learning Material)નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ PSE અંતર્ગત વાર્તા, ચિત્રાંકન અને ગણગણાટી જેવા સર્જનાત્મક કાર્યક્રમો યોજાઈને બાળકોની પ્રતિભા બહાર લાવવામાં આવી હતી.
આંગણવાડીના બાળકો અને ગામજનોએ મળીને વૃક્ષારોપણ પણ કર્યું હતું જેથી પર્યાવરણ જાળવણીનો સંદેશ પ્રસરી શકે. આરોગ્ય ક્ષેત્રે બાળકોની વજન માપણી, વૃદ્ધિ રેખા નિર્દેશન અને જરૂરી કાઉન્સેલિંગ કરીને માતા–પિતાને જાગૃત બનાવવામાં આવ્યા હતા.
સ્થાનિક ગામજનોએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આંગણવાડી સુપરવાઇઝર, કાર્યકર્તા તથા ગ્રામજનોની સક્રિય ભાગીદારીથી આ આયોજન સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું.
બાળિકાના જન્મદિવસની ઉજવણી સાથે આરોગ્ય, પોષણ અને શિક્ષણ જેવા અગત્યના મુદ્દાઓને ઉજાગર કરનારા આવા કાર્યક્રમો ગામસ્તરે સકારાત્મક જાગૃતિ લાવી રહ્યા છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે એક પ્રેરણારૂપ બની રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
