નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ માં કામલ નર્સિંગ કોલેજ બોગસ નીકળી છે. જેને કારણે ફી ભરનાર અસંખ્ય વિદ્યાર્થીઓનું ભાવી અટવાયું છે. છેલ્લા ૨૦ વર્ષથી આ સંસ્થા કોની રહેમ નજરથી ચાલી રહી હતી એ લાખ રૂપિયાનો સવાલ ઉઠવા પામ્યો છે.ડેડીયાપાડાના “આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા સરકાર અને વહીવટી તંત્રને મા કામલ ફાઉન્ડેશન અંગે રજૂઆત કરાતા જીએમઈઆરએસના તબીબી અધિક્ષકે કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. તેમણે લેખિતમાં જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી. જેથી આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે. તેમજ અહીંના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી. તથા આ વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે પણ ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી.કોઈપણ પ્રકારની સરકારની પરવાનગી લીધા વગર છેલ્લા ૨૦ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. ત્યારે સવાલ છે કે કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે? ધારાસભ્ય પાસે ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે જેઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે. આ વિદ્યાર્થીઓની રૂા. ૨,૯૭,૦૦૦ જેટલી ફી પણ કોલેજમાં જમા છે. તેમ છતાં પણ કોઈપણ યુનિવર્સિટી કે કોલેજમાં આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવતા નથી. હવે પરિસ્થિતિ એવી છે કે આ વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગડ્યા, આ સિવાય તેઓને સ્કોલરશીપ પણ નહીં મળે અને સૌથી ગંભીર બાબત એ છે કે આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ લાભ નહીં મળે.ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર કેટલાક નેતાઓ આ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. અમે કલેકટર અને ડીડીઓને મળવા જઇશું અને સવાલ પૂછીશું કે શા માટે આટલા સમય સુધી આ કોલેજ પર કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને વિદ્યાર્થીઓને તેમના અલલ ડોક્યુમેન્ટ અને લાખોની ફી પાછી નહીં મળે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
Author: Ashok kumar Jiyani
Co editor in chief