February 9, 2025 1:25 am

આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઇ પટેલની અધ્યક્ષતામા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામની બેઠક યોજાઇ

આજ રોજ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારીશ્રી વિષ્ણુભાઇ પટેલની અધ્યક્ષતામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામની બેઠક યોજાઇ હતી. 

આ બેઠકમાં આરોગ્ય અધિકારીશ્રી વિષ્ણુભાઇ પટેલ દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંગે વ્યાપક માહિતી આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવનાર કામગીરી અંગે વાકેફ કર્યા હતા. ભારતમાં તમાકુ વિરોધી કાયદો COTPA -2003 સંસદમાં 18 મે 2003 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. જે 1 મે 2004 થી અમલમાં આવ્યો. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ 2003 અંતર્ગત સેક્શન 4 મુજબ જાહેર જગ્યા પર ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેક્શન 5 મુજબ તમાકુની સીધી કે પરોક્ષ જાહેરાત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેક્શન – 6 -A અન્વયે 18 વર્ષથી નીચેનાને તમાકુ વેચતા કે ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેક્શન – 6 -B અન્વયે શૈક્ષણિક સંસ્થાઓ ની આસપાસ 100 મીટર વિસ્તારમાં તમાકુ અથવા તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે. સેક્શન – 7 તમાકુ અથવા તેની બનાવટોના પેકિંગ પર અંગ્રેજીમાં અથવા ભારતીય ક્ષેત્રીય ભાષામાં ચિત્રાત્મક ચેતવણી આપવી. આ ચેતવણીમાં પેકિંગના 85 % ભાગ દર્શાવેલ હોવી જોઈએ. ઉપરાંત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી તમાકુની બનાવટ જેવી કે બીડી અને સિગારેટનુ છૂટક વેચાણ પર પ્રતિબંધ ફરમાવેલ છે.

બેઠકમાં તમાકુ અને આરોગ્ય તથા વ્યસન અંગે વ્યાપક માહિતી આપવામાં આવી હતી. ધૂમ્રપાન અને તમાકુ છોડવા ઉપરાંત COPTA -2003 અંતર્ગત કરવાની થતી માહિતી વિશે જાણકારી આપવામાં આવી હતી.

Leave a Comment