નવા વર્ષની સાથે જ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં મહાનગરપાલિકા અમલમાં આવી છે અને કોર્પોરેશન જેવું વહીવટ અને કામગીરી કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીધામ શહેરના જાહેર માર્ગો પર ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે કોર્પોરેશને નોટિસ આપી દીધી છે. જો આગામી સોમવાર સુધીમાં આ દબાણો નહીં હટે તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવીને આ દબાણો દૂર કરવામાં આવશે. જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હાલમાં જાહેર માર્ગોને પહોળા કરવા માટે માપણીની પ્રક્રિયા ચાલી રહી છે.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરમાં જાહેર માર્ગો પર 350 જેટલા ગેરકાયદેસર દબાણો હોતા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે. જો સોમવાર સુધીમાં દબાણકારો જાહેર માર્ગો પરથી દબાણ દૂર નહીં કરે, તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે.
ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે દબાણકારોને અપીલ કરી જણાવ્યું હતું કે, ગાંધીધામના જાહેર માર્ગો પર જે દબાણો છે. તેને દબાણકારો સ્વેચ્છાથી હટાવી લે. અન્યથા સોમવારના પોલીસ બંદોબસ્ત સાથે રાખીને નિયમ મુજબ બુલડોઝર ચલાવીને દબાણ તોડીને હટાવવામાં આવશે. તે દિવસે કોઈપણ દબાણકારોને સમય મર્યાદા નહીં મળે.
રીપોર્ટર સુનિલભાઈ કચ્છ
