પહેલા વર્ષે ઓરવણું કરતી વખતે ૨૦૦ લીટર પ્રતિ એકર જીવામૃત પાણી સાથે આપવું
“ઝેર મુક્ત પ્રાકૃતિક શાકભાજી ખાઓ, કેન્સર જેવા રોગોથી મુક્ત રહો”
રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો સ્વેચ્છાએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આપણે જોઈશું કે શાકભાજીનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવતેર કઈ રીતે કરી શકાય…
ખેતરની તૈયારી:
જ્યારે કોઈપણ શાકભાજીનું વાવેતર કરીએ છીએ, એમાં લીલા પડવાશ તરીકે ઇકડ, કોઈપણ કઠોળ જેમ કે ચોળી, મગ, અડદ વગેરેને માટીમાં ભેળવીએ છીએ, ખેતરમાં ઓરવણું કરીને એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણી સાથે છોડીએ છીએ. ત્યારબાદ જમીન થોડી સુકાતા જમીનને હલકી અને બારીક કરો, જેથી જમીનમાં બેડ સારી રીતે બનાવી શકાય. અંતિમ ખેડ કરતી વખતે ૪૦૦ કિ.ગ્રા. ઘનજીવામૃત નાખીને સમાર ચલાવો અને ત્યાર પછી ઉત્તર-દક્ષિણ દિશામાં ચાસ પાડો.
બીજ માવજત:
શાકભાજીના સારા ઉત્પાદન માટે બીજને બીજામૃતથી સંસ્કારિત કરો. બીજને સંસ્કારીત કરવાથી બીજમાં સારો ઉગાવો આવશે, તથા સારા પાકના રૂપમાં સારું ઉત્પાદન મળશે. બીજને જીવામૃતમાં ડુબાડો અને અમુક સામાન્ય બીજને ૬-૭ સેકન્ડ અને અમુક વિશેષ બીજને ૧૨-૧૪ કલાક સુધી ડુબાડો. જેમ કે, કારેલાનાં બીજ, ટિંડોળાનાં બીજ વગેરે. બીજને ચોક્કસ સમય પછી બહાર કાઢી તેમને છાયામાં સૂકવો. ત્યારબાદ બીજનું ખેતરમાં વાવેતર કરો.
સાવચેતીઓ :
૧. જ્યારે આપણે પહેલા વર્ષે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ છીએ ત્યારે આપણે એવા શાકભાજી ઉગાડીએ કે, જે ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન આપતાં હોય. જેમ જેમ આપણી જમીન તાકાતવાળી થશે. આપણે વધુ રાસાયણિક ખાતર વાપરતાં શાકભાજીનુ ઉત્પાદન લઈ શકીશું. આ પ્રમાણે આપણે પ્રથમ વર્ષે જમીનને સજીવ બનાવવાનો પ્રયાસ કરીશું. જમીન ઉપજાઉ થયા પછી આપણે કોઈપણ શાકભાજી ઉગાડી શકીએ છીએ.
२. શાકભાજી ઉગાડતાં પહેલાં લીલા પડવાશના ૩૫માં ઇકડ અથવા દ્વીદળીય, કઠોળનું ઉત્પાદન લઈએ.
3. ઉત્તરથી દક્ષિણ દિશામાં ચાસ પાડીએ.
४. એકદળ શાકભાજી સાથે દ્વીદળ શાકભાજી એકસાથે વાવીએ.
સમયસર પાકને જીવામૃત આપતા રહીએ.
વાવવાની પદ્ધતિ :
જો તમે બે છોડ વચ્ચે ૨ ફુટનું અંતર રાખો છો. તો ૪ ફુટના અંતરે. તથા જો ૨.૫ ફુટનું અંતર છે. તો ૫ ફૂટનાં અંતરે તથા જો ૩ ફૂટનું અંતર છે તો ૬ ફુટનાં અંતરે ચાસ બનાવો.
પહોળા બેડની સપાટી ઉપર જીવામૃતનો છંટકાવ કરવો અને એક એકર દીઠ 100 કિ.મા દેશી ગોબરના ખાતર સાથે ૨૦-૨૫ કિલો ઘનજીવામૃત ભેળવીને બેડની સપાટી ઉપર છાંટો અને અંતમાં એના ઉપર કાષ્ટ આચ્છાદન કરવું. ચાસોમાં પાણી સાથે જીવામૃત આપો. ૨ દિવસ પછી બેડની અંદરની બાજુએ વાપ્સા (ભેજ) આવી જશે. પછી બેડની બન્ને બાજુ ઢાળ ઉપર વેલાવાળાં શાકભાજી જેવાં કે ટામેટાં, કાકડી, તુરિયા, ગલકા, કારેલા, દૂધી, તરબૂચ, ટેટી. જેવાના બીજને બીજામૃતથી માવજત કરીને જમીનમાં નાનો ખાડો કરીને તેમાં વાવી દો. અને માટીથી ઢાંકી દો. આ બેડના ઢાળથી થોડા નીચે બન્ને બાજ ચોળીનાં બીજ તથા ગલગોટાના રોપનું વાવેતર કરવું. આ ચાસમાં પાણી આપવું. પાણીની સાથે જીવામૃત આપવું. ૪-૫ દિવસમાં કેશાકર્ષણ દ્વારા ભેજ ચાસમાંથી પહોળા બેડની અંદર અને ઉપર સુધી પહોંચી જશે. આચ્છાદન અને જીવામૃત કેશાકર્ષણ શક્તિને તુરંત કામમાં લગાડે છે. હવે વાવેતરના સાત દિવસ પછી પહોળા બેડની સપાટી ઉપર પાથરેલા અચ્છાદનની નીચે બેડ ઉપર વચ્ચો વચ્ચ લોખંડના સળિયાથી ખાડો કરો, આ સળિયાને ચારે તરફ હલાવો પછી તેને કાઢી લો, ત્યારબાદ એ ખાડામાં રીંગણ, કોબી, મરચાના રોપ અથવા ભીંડા કે ગુવારનાં બીજ વાવો. જમીનમાં રહેલા ભેજને લીધે આ બીજ પોતાની રીતે ઊગીને બહાર આવશે અને વધવા માંડશે. ૭-૧૦ દિવસ પછી નિકમાંથી પાણી આપો, આ પાણીની સાથે મહિનામાં ૧-૨ વાર જીવામૃત પણ આપો. મહિનામાં ૧-૨ વાર દરેક છોડ પર જીવામૃતનો પ% થી ૧૦% સુધી છંટકાવ કરો.
ચોમાસામાં સિંચાઈની જરૂર હોતી નથી. ત્યારે થોડું થોડું જીવામૃત સીધું જમીન ઉપર છોડની પાસે રેડવું. જેમ જેમ નિકમાં લગાવેલા શાકભાજીના વેલા મોટા થતાં જશે, તેમ તેમ મોટા બેડ ઉપર પાથરેલા આચ્છાદન ઉપર ચડાવી દો. ગલગોટા અને ચોળી સાથે સાથે વધશે. આચ્છાદન અને જીવામૃત બંનેના પ્રભાવથી અળસિયાં પોતાની રીતે કાર્યરત થઈ જશે, અને પોતાની વિષ્ટાના માધ્યમથી દરેક પ્રકારના છોડ માટે પોષક તત્ત્વોનો ભંડાર ખોલી દેશે. ચોળી હવામાંથી જેટલો આવશ્યક હશે તેટલો નાઈટ્રોજન લઈને શાકભાજીને આપશે. ચોળી અને ગલગોટા પર મિત્ર કીટક આવીને બેસશે અને નુકસાન પહોંચાડતા કીટકોનું નિયંત્રણ કરશે. ગલગોટા પોતાની તરફ ઘણી બધી મધમાખીઓને આકર્ષે છે અને તેના લીધે શાકભાજીના ફુલોમાં પરાગનયન થશે. સાથે સાથે ગલગોટા અને ચોળી આપણને પૈસા પણ આપશે. ગલગોટા શાકભાજીઓના મૂળ ઉપર રહીને તેનો રસ ચૂસવાવાળા નેમાટોડનું નિયંત્રણ કરશે. બેડ ઉપર લગાવેલા ફળ, શાકભાજીના છોડ, શાકભાજીના વેલા ઉપર આવશ્યક છાંયો આપશે. હવાને શોષીને પાનના ખાતર નિર્માણની ગતિ વધારશે જમીનને ફળદ્રુપ બનાવશે અને આપણને ઉત્પાદન પણ આપશે. શાકભાજીના વેલા જ્યારે કાષ્ટ આચ્છાદન ઉપર ફેલાશે. ત્યારે શાકભાજીના ફળ આચ્છાદન ઉપર રહેશે. એને માટી લાગશે નહીં જેથી શાકભાજી માટીના સંપર્કથી ખરાબ થશે નહીં.
જો કોઈ જીવાત કે રોગો આવે તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ખાટી છાશ સુંઠાસ્ત્ર પ્રયોગ કરવો. નિંદામણ નિંદી લેવું. આ આચ્છાદનને લીધે બેડ ઉપર નિંદામણ આવશે નહીં. ફક્ત ચાસમાં પાણી આપવાનું છે અને જમીન આચ્છાદનથી ઢાંકેલી છે. માટે ૯૦% સિંચાઈના પાણીની બચત થશે. એટલી જ બચત વીજળી અને મજૂરીની થશે.
મેં અહીં જે પાકોનાં નામ આપ્યા છે, તે બધા સહજીવી છે, અને એકબીજાના વિકાસમાં મદદરૂપ થવાવાળા છે. આપને દશેરા, દિવાળીના ઉત્સવ પર ગલગોટાના ફૂલ વેચવા માટે મળી જશે. સાથે સાથે ચોળીની લીલી સિંગો શરૂઆતથી સતત પૈસા આપતી રહેશે. બેડ ઉપર વચ્ચે લગાવેલાં ફળ, શાકભાજીના છોડ અને વેલા આપને અંત સુધી પૈસા આપશે. જો તમે જીવામૃતનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરશો તો કોઈ જીવાતથી નુકસાન થશે નહીં અને એટલાં ફળ આવશે કે, તમે તોડી શકશો નહીં. આ હકીકત છે કે, તમારાં શાકભાજી ઝેરમુક્ત અને પોષક તત્ત્વોથી ભરપૂર હશે. ઔષધી અને અમૃત સમાન હશે. માર્કેટમાં તમે એક બેનર લગાવો “ઝેરમુક્ત પ્રાકૃતિક શાકભાજી ખાઓ, કેન્સર જેવા રોગોથી મુક્ત રહો” આનાથી આપને બમણા ભાવ મળશે. જો તમે માર્કેટના ભાવથી જ શાકભાજી વેચશો તો પણ તમને નુકસાન નહીં થાય. કેમ કે, પ્રાકૃતિક રીતે ઉગાડેલી શાકભાજીમાં ખર્ચો નામ માત્ર થાય છે.
જીવામૃતનો ઉપયોગ :
૧. રોપ્યા બાદ તુરંત એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણી સાથે આપો.
૨. જ્યાં સુધી ઉત્પાદન ચાલુ રહે ત્યાં સુધી મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો.
૩. શાકભાજીના ઉત્પાદનમાં લગભગ ૬ વખત પાણી સાથે જીવામૃત દેવાની જરૂર પડતી હોય છે. પરંતુ જો પાક પીળો પડે તો ૧૦% જીવામૃતનો સ્પ્રે કરો.
પ્રતિ એકર શાકભાજી ઉપર જીવામૃતનો સ્પ્રે
પ્રથમ સ્પ્રે : વાવેતર બાદ એક મહિના બાદ ૫ લીટર જીવામૃતની સાથે ૧૦૦ લીટર પાણીનો સ્પ્રે કરવો.
બીજો સ્પ્રે : પહેલા સો પછી ૨૧ દિવસ પછી, ૭,૫ લીટર જીવામૃતની સાથે ૧૦૦ લીટર પાણીનો સ્પ્રે કરવો.
ત્રીજો સ્પ્રે : બીજા સ્પ્રે પછી ૨૧ દિવસ પછી, ૧૦ લીટર જીવામૃત ૧૫૦ લીટર પાણી ભેળવીને સ્પ્રે કરવો.
ચોથો સ્પ્રે: ત્રીજા સ્પ્રે ના ૨૧ દિવસ પછી, ૧૫ લીટર જીવામૃત ને ૧૫૦ લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવો.
પાંચમો સ્પ્રે : ચોથા સ્પ્રે પછી ૨૧ દિવસ પછી, ૩ લીટર ખાટી છાશને ૧૦૦ લીટર પાણી સાથે ભેળવીને સ્પ્રે કરવો. અથવા ૨૦૦ લિટર સપ્તધાન્યાંકુર અર્કનો છંટકાવ કરો.
છઠો સ્પ્રે : પાંચમા સ્પ્રે પછી ૨૧ દિવસ પછી, ૧૫ લીટર જીવામૃત ને ૧૫૦ લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવો.
જીવાત અને રોગ: જ્યારે આપણા શાકભાજી ઉપર કોઈ પણ જીવાત લાગે ત્યારે આપણે નીચે લખેલી દવાઓનો પ્રયોગ કરવો જોઈએ.
(ક) રસ ચૂસતી જીવાત : રસ ચૂસવાવાળી જીવાત માટે નિમાસ્રનો પ્રયોગ કરો.
(ખ) લીમડાના તેલનો પણ પ્રયોગ કરી શકો છો.૧૫૦૦ પીપીએમ લીમડાના તેલની ર મિ.લી. પ્રતિ લીટર પાણીની માત્રાએ સ્પ્રે કરો.
(ગ) ઈયળ (સુંઢી) : ૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવીને એક એકરમાં કરો.
(ઘ) થડ અને ફળ વેધક કીડા તથા ઇયળ: ૩ લીટર અગ્નિઅસ્રને ૧૦૦ લીટર પાણીમાં ભેળવી ૧ એકર પાકમાં સ્પ્રે કરો.
(ડ) ફુગ (ફંગસ) રોગ : ફુગ (ફંગસ) તથા વાયરસથી થતા રોગો માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી ભેળવી સસ્પ્રે કરો. છાશ ૩-૪ દિવસ જૂની હોવી જોઈએ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
