જૂનાગઢ: આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે. શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો દિવસ. આ દિવસ બધા શિક્ષકો અને શિક્ષકોનું સન્માન કરવાનો અને કૃતજ્ઞતા દર્શાવવાનો છે. આ દિવસે આપણે એક એવા શિક્ષક વિશે વાત કરીશું. જેમણે અનેક લોકોને શિક્ષણ આપ્યા બાદ સમાજને નજીકથી ઓળખવા માટે એટલી મહેનત કરી કે, આજે તેઓ IPS તરીકે ફરજ બજાવી રહ્યા છે.
કોણ છે હર્ષદ મહેતા?
આજે આપણે શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ જિલ્લા પોલીસ વડા IPS બની દેશની સેવા કરનારા હર્ષદ મહેતાની વાત કરીશું. અમરેલી જિલ્લાના ચલાલા નાના એવા ગામ ગરમલી ગામના વતની નિવૃત્ત શિક્ષકના પુત્ર અને ઉંચી શૈક્ષણિક લાયકાતો ધરાવતા આ GPSC પાસ ઓફિસરનો જન્મ 26 મે 1974ના રોજ થયો હતો. ચલાલાના ગરમલી ગામના પિતા બાબુભાઈ અને માતા નર્મદાબેનના પુત્ર હર્ષદ મહેતાને 4 ભાઈઓમાં 2 મોટા ભાઈ અને 1 નાનો ભાઈ હતો. તેમના પિતા બાબુભાઈ મહેતા પાણીયા દેવની પ્રાથમિક શાળામાંથી પ્રિન્સિપાલ પદે નિવૃત્ત થઈ ગયા હતા.
હર્ષદ મહેતાનો અભ્યાસક્રમ
હર્ષદ મહેતાએ પ્રાથમિક અભ્યાસ ગરમલી ગામની પ્રાથમિક શાળામાં જ કર્યો હતો. જે બાદ તેમણે ચલાલાની આર.કે. એમ. હાઈસ્કૂલમાંથી ધો.10થી 12 સુધી અભ્યાસ કર્યો હતો. તેમણે ધો.10 પછી PTC વડિયાની કોલેજમાં કરી તેઓ 17 વર્ષે પીટીસી થઈ ગયા હતા. જોકે, 18 વર્ષ પહેલા તેમને નોકરી ન મળે તે માટે તેમણે અભ્યાસ શરૂ રાખ્યો હતો. તેમણે અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાંથી B.A. વિથ ઈંગ્લીશ કર્યું હતું. તેમાં કોલેજમાં પહેલા નંબરે આવ્યા હતા. આ પછી 1996થી 1998 સુધી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇંગ્લીશ ડિપાર્ટમેન્ટમાં M.A. કરી ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવતા ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ પછી હર્ષદ મહેતાએ અલીયાબાડાની B.Ed. કોલેજમાંથી B.Ed. કર્યું હતું.
GPSC ની પરીક્ષામાં છ માર્ક માટે રહી ગયા
હર્ષદ મહેતાને દમણની સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી મળી હતી. ત્યાં 1 વર્ષ નોકરી કર્યા બાદ લાઠીની કલાપી સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ઈંગ્લીશ ટીચર તરીકે 7 વર્ષ નોકરી કરી હતી. એ દરમિયાન 2001માં GPSC ની પરીક્ષા આપી તેમાં પ્રિલિમ મેઈન પાસ કરીને ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું. જોકે, કમનસીબે 2004માં પરિણામમાં કટ ઓફમાં છ માર્ક માટે તેઓ રહી ગયા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પાર્ટ ટાઈમ M.Ed.નો કોર્સ કરી પોતે ડિગ્રી મેળવી હતી. જે બાદ તેઓ લાઠીની સરકારી નોકરી છોડી રાજકોટ આવ્યા અને અહીં T.N.રાવ કોલેજમાં B.Ed., M.Ed.માં લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.
27માં રેન્ક સાથે પાસ થઈ DySP બન્યા
મહત્વનું છે કે, 2007માં GPSC ની ફરી જાહેરાત આવી તેમાં પ્રિલિમ અને મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયા હતા. જેમાં 4 વર્ષ બાદ 2011માં તેમનું પરિણામ આવ્યું અને તેઓ 27માં રેન્ક સાથે પાસ થઈ DySP બન્યા હતા. DySP તરીકે પસંદ થયા બાદ પણ તેમની જીવનની પરેશાની પૂર્ણ થવાનું નામ લેતી નહોતી. હર્ષદ મહેતાને જ્યારે ટ્રેનિંગમાં જવાનું હતું. ત્યારે તેમના બંને હિપ જોઈન્ટમાં રુમેટોઇડ આર્થરાઈટિસ આવ્યું હતું. 20થી વધુ ડોક્ટરોએ તેમને સચોટ ઈલાજ માટે ના કહી હતી. એક તરફ DySP તરીકે સિલેક્શન થયું હતું અને બીજી તરફ આ બીમારીને કારણે તેમને પથારીવશ થવું પડ્યું હતું. આ સંજોગોમાં એક થી બે ડોક્ટરોએ પોઝિટિવ રિસ્પોન્સ આપી અને આયુર્વેદિક અને હોમિયોપેથીક પદ્ધતિ અને દવાઓની મદદથી પોતે આગળ વધ્યા હતા. હાલમાં તેઓ જૂનાગઢના જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જૂનાગઢમાં કરી છે નોંધનીય કામગીરી
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્યા પછી નોંધનીય કામગીરી કરી છે. જેમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓમાં જે યુવાનો સંકળાયેલા હોય છે. તેમના પરિવાર સાથે સંપર્ક કરી અને તેમને કઈ રીતે ડ્રગ્સથી બચાવી શકાય અને આ લતમાંથી કઈ રીતે યુવાધનને જતું અટકાવી શકાય તે માટે અનેક પ્રયત્નો કર્યા છે.
પરિસ્થિતિના પડકારો ક્યારેય પણ સામે આવી શકે છે: હર્ષદ મહેતા
આજના યુવાનોને માર્ગદર્શન આપતા આઈપીએસ હર્ષદ મહેતા જણાવે છે કે, પરિસ્થિતિના પડકારો ક્યારેય પણ કોઈની પણ સામે આવી શકે છે. આજે જેટલા પણ યુવાનો ગવર્મેન્ટ નોકરી માટે તૈયારીઓ કરી રહ્યા છે તેમણે આ પડકારોમાં માનસિક રીતે સ્વસ્થ અને સંતુલિત રહી શકાય તે માટેના પ્રયત્નો હંમેશા કરવા જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
