સહિયારા પ્રયત્નો થકી પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા અને સ્વચ્છતા જાળવવા નાગરિકોને અપીલ કરતા કલેકટરશ્રી મિહિર પટેલ
શાકભાજી ખરીદવા માટે પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ કાપડની થેલીનો ઉપયોગ કરીએ:કલેકટરશ્રી મિહિર પટેલ
સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર શાકમાર્કેટ વિસ્તારમાં સફાઈ સેવા ઝુંબેશનું આયોજન કરાયું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી સહિતના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી,કમિટીના સભ્યો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શાક માર્કેટ વિસ્તારમાં ફેરિયાઓ અને વેપારીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા બાબતે સંવાદ કરાયો હતો.
પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નાગરિકોને જિલ્લા કલેકટરશ્રીએ અપીલ કરી હતી કે, સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી બને છે. સફાઈકર્મીઓ તો રોજ સ્વચ્છતા માટે કામ કરી જ રહ્યા છે પણ ૧૦૦ સફાઈકર્મીઓ સામે શહેરના ૧.૫૦ લાખ નાગરિકોએ પણ સ્વચ્છતા જાળવવા માટે કામ કરવું જોઈએ. તેમણે સહિયારા સાથ થકી ઝીરો પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા નાગરિકોને આહવાન કરીને શાકમાર્કેટ ખાતે શાકભાજી લેવા આવતા લોકોને પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ ઘરેથી કાપડની થેલી લઈને આવે તે માટે સૂચન કર્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે છેલ્લા એક મહિનાથી પાલનપુર નગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો
પોતાના ઘર અને મહોલ્લા સહિતની જગ્યાઓ પર તથા વેપારીઓ પણ પોતાની દુકાનની આજુબાજુ સ્વચ્છતા જાળવે તે જરૂરી બને છે. પ્લાસ્ટીકની બેગ સહિતની વસ્તુઓ ત્યાગીને કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે અનિવાર્ય છે. લોકો સ્વયંભૂ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી. શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સરકારી તંત્ર ઉપરાંત નાગરિકોનો સહયોગ મળી રહે તે પણ આવશ્યક છે.
પાલનપુર શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન ૨૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરીને પેનલ્ટી અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓ, શાળાઓ, ધાર્મિક અને સેવાભાવિ સંસ્થાઓ ખાતે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન બાબતે જાગૃતિ ફેલાય તે માટે સંવાદનું પણ આયોજન કરાયું છે. આવો, સૌકોઈ સાથે મળીને આપણા પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ,સ્વચ્છ બનાવીએ.
રિપોર્ટર રાવળ અસ્મિતા બી.(બી.કે).
