મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાંથી મૃત્યુ પામેલ વ્યકિતઓના કાયદેસરના વારસદારોને મૃતક દીઠ ચાર લાખની સહાય મંજુર કરાઇ
આ સહાય મૃતકોના પરિવારજનો પ્રત્યે સરકારની સંવેદના અને સાંત્વના છે:-મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત
કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે આજરોજ નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી મૃત્ય પામેલ પાંચ વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યા હતો. સહાય મેળવનાર પરિવારજનોએ મંત્રીશ્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે ચેક અર્પણ કરતાં મૃતકોને શ્રધ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ દુર્ધટનાથી મુખ્યમંત્રીશ્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું એમ જણાવી બનાવ બન્યાના ટૂંક સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે એ માટે સરકારે વ્યવસ્થા કરી પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી છે એમ કહ્યું હતું. ગયેલા વ્યક્તિને પાછા લાવી શકાતા નથી પણ આવી સહાયથી તેમનું દુઃખ ઓછું થાય છે એમ જણાવી પરિવારજનોને કંઇપણ જરૂર પડે તો પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી.
તાજેતરમાં ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતેના ઘોઘરેટીયા સીમ તળાવમાં અકસ્માતે પાણીમાં ડુબી જવાથી પાંચ વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવાના હેતુસર અરજદારોના સોગંદનામા વિગેરે સહ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેને પગલે મૃત્યુ પામેલ વ્યકિતઓના કાયદેસરના વારસદારોને મૃતક દીઠ રૂા. ૪,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પુરા) ની સહાય ખાસ કિસ્સામાં મંજુર કરવામાં આવેલ છે. કુલ પાંચ મૃતકોના વારસદારોને સહાયની ચુકવણી કરવા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી કુલ રૂા.૨૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા વીસ લાખ પુરા) મંજુર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલ, અગ્રણી શ્રી કે.સી. પટેલ, સહિત અધિકારીશ્રીઓ અને મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
મૃતકોના નામ
ફિરોજબાનુ કાળુમીયા મલેક ઉ.વ. ૩૯
મહેરાબેન કાળુમીયા મલેક ઉ.વ. ૧૩
અબ્દુલકાદિર કાળુમીયા મલેક ઉ.વ. ૦૮
સિમરનબેન સલિમભાઇ સિપાઇ ઉ.વ. ૧૩
સોહિલખાન રહીમભાઈ કુરેશી ઉ.વ. ૧૬
રહે, તમામ વડાવલી, તા. ચાણસ્મા, જી.પાટણ
