Patan | પાટણ ખાતે પ્રભારી સચિવશ્રી મમતા વર્માની અધ્યક્ષતામાં મોકડ્રિલની સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લામાં યોગ્ય માત્રામાં સાયરનની વ્યવસ્થા કરવા જણાવતા પ્રભારી સચિવશ્રી મમતા વર્મા

બોર્ડર પર આવેલો જિલ્લો હોવાથી સતર્ક રહેવા અને કેઝ્યુલ એપ્રોચ બિલકુલ નહિ રાખવા પ્રભારી સચિવશ્રીનું ખાસ સૂચન

આજરોજ કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે પ્રભારી સચિવશ્રી મમતા વર્માની અધ્યક્ષતામાં ૭ મે ના રોજ યોજાયેલ મોકડ્રિલની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લઇ તૈયારીના ભાગરૂપે સમીક્ષા કરી જિલ્લામાં યોગ્ય માત્રામાં સાયરનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

પ્રભારી સચિવશ્રીએ તમામ અધિકારીશ્રીઓના મોકડ્રિલ અંગેના અનુભવો જાણ્યા હતા તેમજ હાલના સંજોગો જોતાં અને જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલો હોવાથી સતર્ક રહેવા અને કેઝ્યુલ એપ્રોચ બિલકુલ નહિ રાખવા ખાસ સૂચન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા. ૭ મી મે, ૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લામાં પાંચ નગરપાલિકા વિસ્તાર, બોર્ડર પરના આઠ ગામો અને પાંચ વાઈટલ લોકેશન મળી કુલ ૧૮ સ્થળોએ આ મોકડ્રીલ યોજાઇ હતી. જિલ્લામાં તમામ મોકડ્રીલ સફળ રહી હતી અને લોકો પણ સ્વયંભૂ તેમાં સહભાગી બન્યા હતા. રાત્રિ દરમિયાન થયેલ બ્લેક આઉટ મોકડ્રીલમાં પણ નગરજનોનો સારો સહકાર સાંપડ્યો હતો.

જિલ્લામાં મોકડ્રીલની સફળતાને પગલે સચિવશ્રી મમતા વર્માએ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી ટીમ પાટણને અભિનંદન આપ્યા હતા. તેમજ આગામી સમયમાં કોઈપણ આપત્તિજનક સ્થિતિને સારી રીતે પહોંચી શકીશું, ટેકલ કરી શકીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રભારી સચિવશ્રીએ ઇમરજન્સીના સમયમાં અનુસરવાની એસ.ઓ.પી બનાવવા અને કર્મચારીઓને ટ્રેનીંગ આપવા અંગે પણ જણાવ્યું હતું.

સમીક્ષા બેઠક અંતર્ગત પ્રભારી સચિવશ્રી મમતા વર્માએ તમામ વિભાગોમાં સંસાધનોની હાલની સ્થિતિ, મેન પાવર, ટેકનિકલ પોઝિશન, વાઇટલ લોકેશનની સજાગતા, જિલ્લાના વોટર રિસોર્સિસ, પુરવઠા સપ્લાય માટેના સુરક્ષિત સંગ્રહ સ્થાનો, આશ્રય સ્થાન સહિતની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે ઇમરજન્સી ક્યારેય કહીને આવતી નથી, એટલે સજાગ અને સતર્ક રહેવું અને બોર્ડર પરનો જિલ્લો હોવાથી બેદરકારી બિલકુલ ન રહે એની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને ઇમરજન્સી, કોમ્યુનિકેશન, સોર્સિસ અને લાઇન ડિપાર્ટમેન્ટને સંકલનમાં રહેવા સાથે વોટર રીસોર્સિસ પર સિક્યુરિટી ગોઠવવા અને આજથી જ તેનો અમલ કરવા સૂચન કર્યું હતું.

સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ, પોલીસ અધીક્ષકશ્રી વી.કે નાયી, નિવાસી અધિક કલેકટરશ્રી વી.સી.બોડાણા, પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, મામલતદારશ્રીઓ, મોકડ્રીલ અધિકારીશ્રીઓ, જિલ્લાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ, બી.પી.સી.એલ, એચ.પી.સી.એલ, આઇ.ઓ.સી.ના અધિકારીશ્રીઓ અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें