July 20, 2025 1:23 am

Santalpur : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦.૨૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ₹ ૪૨,૨૯,૦૦૦ ના લાભોનું વિતરણ કરાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડા ના વિસ્તાર સુધી રોજગાર શિક્ષણ આરોગ્ય ની સુવિધાઓ પહોચાડવાનું આયોજન બદ્ધ કામ કર્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષો પહેલાં સાંતલપુર તાલુકાને વિશ્વ કક્ષાએ ચમકાવ્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ખાતમુહૂર્ત તથા ઇ – લોકાર્પણ સમારોહમાં માર્ગ અને મકાન વિભાગના રૂ.૩૭.૮૨ કરોડના ૯ કામો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૨૯.૯૧ કરોડના ૩૩ કામો, શિક્ષણ વિભાગના રૂ. ૩૧.૨ કરોડના ૧૮ કામો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના રૂ. ૯.૫૭ કરોડના ૨ કામો, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂ. ૧.૪૧ કરોડના ૩૭ કામો, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના રૂ. ૩૭ લાખના ૨ કામો મળી કુલ કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસ કામોને ખુલ્લા મુકાયા હતા. મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારની વિવિધ યોજના અંતર્ગત ૪૨,૨૯,૦૦૦ ના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. તેમજ વિદ્યાસહાયક શિક્ષકોને નિમણુક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિકસિત ગુજરાત ગ્રીન ગુજરાતના પ્રણેતા અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરી આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી મળે એવું વિકાસનું આયોજન કર્યું છે. તેમના ગુજરાતના મુખ્ય મંત્રીના કાર્યકાળ દરમિયાન થી ગુજરાતનું ફાયનાન્સીયલ મેનેજમેન્ટ મજબુત બનાવ્યું છે જેના લીધે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા વાસી ઓને કહ્યું કે તમારે વિકાસનું જે કામ જોઈએ એ માંગો, તમારું આયોજન જેટલું સારું હશે, એટલું તમારું કામ સારું થશે. તમારો સંકલ્પ એજ અમારો સંકલ્પ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી દેશભરમાં ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. છેવાડાના સાંતલપુર તાલુકામાં ચારણકા સોલાર પ્લાન્ટ સ્થાપી સમગ્ર વિશ્વમાં સાંતલપુરનું નામ ચમકાવ્યું છે. ગુજરાત સાથે પાટણ જિલ્લામાં પણ વિકાસનું અવિરત કામ આગળ ધપી રહ્યું છે. કેચ ધ રેઈન અભિયાન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળસંગ્રહ ની નવી દિશા આપી છે. ‘એક પેડ મા કે નામ ‘ અભિયાન દ્વારા ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું વિઝન આપ્યું છે, ગ્રીન કવચ વધારવા આહવાન કર્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી રોજગાર શિક્ષણ આરોગ્ય ની સુવિધાઓ પહોચાડવાનું આયોજન બદ્ધ કામ કર્યું છે. વર્ષ ૨૦૦૬ માં તેમણે પર્યટન સ્થળોના વિકાસનું લક્ષ્ય સેવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કચ્છનું સફેદ રણ જોવા દુનિયાના લોકો આવશે. આજે દુનિયાભરમાંથી લોકો ગુજરાતના પર્યટન સ્થળોની મુલાકાત માટે આવે છે. આપણો વારસો, આપણી વિરાસતને દેશ દુનિયામાં આગવી ઓળખ મળી છે. આપણી સંસ્કૃતિ ‘પહેલું સુખ જાતે નર્યા’ માં માનનારી છે, આથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગ થી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પમાં વિકસિત ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી યોગદાન આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અપીલ કરી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સાંતલપુર તાલુકામાં વિકાસના ખાત મુર્હત અને ઇ – લોકાર્પણ કરવા બદલ ગુજરાતના મુદ્દૂ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પહેલાંના જમાનામાં સાંતલપુર તાલુકામાં કોઈપણ જવા તૈયાર નહોતું, તે સમયે આ વિસ્તારની ચિંતા કરીને વડાપ્રધાનશ્રી અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોલાર પ્લાન્ટ સ્થાપી આ વિસ્તારની કાયાપલટ કરી છે જેથી આ વિસ્તાર વિકાસ ક્ષેત્રે અગ્રેસર બન્યો છે.

મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા માટે નર્મદાના નીર લાવવાથી સ્થાનિક કક્ષાએ રોજગારી મળવા લાગી. જેના લીધે આજે ઉદ્યોગ, આરોગ્ય, પાણી, શિક્ષણ, માર્ગ અને મકાન વગેરે અનેક ક્ષેત્રે વિકાસના કામો થઈ રહ્યા છે. ગુજરાતમાં થયેલા વિકાસને લીધે વિશ્વની કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે. ગુજરાત વિકાસનું હબ બન્યું છે. સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર બન્યું છે. રાજ્ય સરકારે અમલમાં મુકેલ અનેક યોજનાઓથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે જેના લીધે સાયન્સનું શિક્ષણ સુલભ બન્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં બનેલ રોડમેપ મુજબ ૨૦૪૭ માં વિકસિત ભારત બનશે જેમાં આપણા સૌનો મહત્વનો ફાળો હશે.

રાધનપુરના ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોરે વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા સ્વાગત પ્રવચન કર્યું હતું.

લોકાપર્ણ સમારોહ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનની બેઠક યોજી જિલ્લામાં વિકાસના કામોની રૂપરેખા મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલ બેન ઠાકોર , રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, કલેકટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें