પ્રજાના વિવિધ પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેકટરશ્રી
નેશનલ હાઇવે ઓથોરિટીને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરતા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી,મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, નેશનલ હાઇવે બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ સાથે તકેદારી, પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા. જિલ્લા કલેકટરશ્રીએ નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગના અધિકારીશ્રીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં દીયોદર ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, કાંકરેજ ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, ડીસા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, ધાનેરા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જન કલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઇ હતી.
આ બેઠકમાં ડીસા ધાનેરાને જોડતો ફોર લેન રોડ, થરાદ મુખ્ય નહેરમાંથી ધાનેરા તાલુકાના ગામોમાં તળાવ ભરવા બાબત, દાંતીવાડા ડેમ ઓવરફ્લો થતા નદીમાં વહી જતા પાણીને કાચી કેનાલ મારફત સીપુ ડેમમાં પાણી નાખવું, જોરાપુરા (ભાખર) ગામને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવો, દિયોદર-ભાભર હાઇવેથી આમલા ગામને જોડતા રોડના રીપેરીંગનું કામ, દિયોદર ખાતે ધનાસરી તળાવ, લાખણીનું ખળાવાળું તળાવ તથા ભીલડીનું દુધિયા તળાવમાં ગટર તથા ચોમાસાના પાણીના નિકાલ અંગેનો પ્રશ્ન, ડીસા સ્થિત ડીસન્ટ હોટેલની સામેથી લઈ રાજમંદિર સુધી સર્વિસ રોડ પર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે મંજૂરી બાબત, ડીસા આખોલ સ્થિત જંકશન નાનું બનાવવું, થરા શહેરમાં સર્વિસ રોડની પહોળાઈ વધારવા સહિતના પ્રશ્નો બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અધિક જિલ્લા કલેકટરશ્રી સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
